ગુજરાતમાં શિયાળા પહેલા જ માવઠું : રાજકોટમાં પવન સાથે વરસાદ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી છે. 15 નવેમ્બરે સત્તાવાર રીતે શિયાળો શરૂ થાય એ પહેલાં આજે ને કાલે એમ બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં માવઠાની આગાહીના પગલે તમામ ખેડૂતોને પોતાની જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ફરજ પડશે. ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે, દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી.
દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે મગફળી અને કપાસનો જથ્થો પલળી ગયો હતો. અમરેલીના બાબરા શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડયું હતું. અચાનક પડેલા વરસાદી ઝાપટાંથી ખેતરમાં ઊભેલા કપાસના પાકને નુકસાની થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો બનાસકાંઠાના થરાદ અને લાખાણી પંથકમાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડયું હતું. થરાદના જેતડાના આજુબાજુના વિસ્તાર અને લાખાણીમાં કમોસમી વરસાદ પડયો હતો. ડીસા તાલુકામાં 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer