હિમાલયા પુલ બાંધવા ગતિવિધિ શરૂ થઈ

હિમાલયા પુલ બાંધવા ગતિવિધિ શરૂ થઈ
મુંબઈ, તા. 13 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે તૂટી પડેલા હિમાલયા ફૂટઓવર બ્રિજના સ્થાને આખરે નવો પુલ બાંધવાની પ્રશાસકીય હિલચાલ મહાપાલિકાએ શરૂ કરી છે. નવા પુલમાં ટાઈમ્સ અૉફ ઇન્ડિયા બિલ્ડિંગની બાજુમાં એસ્કેલેટર બાંધવાનું પાલિકા વિચારી રહી હોવાથી એ મુજબની નવી ડિઝાઈન બનાવવામાં આવશે.
સીએસએમટી ખાતે હિમાલયા ફૂટઓવર બ્રિજ 14 માર્ચ, 2019ના તૂડી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત વ્યક્તિ મૃત્યુ પામી હતી, જ્યારે 32 જણને ગંભીર ઇજા થઈ હતી. સ્ટ્રક્ચરલ અૉડિટ ડી. ડી. દેસાઈ ઍન્ડ કંપનીએ આ પુલ સારી હાલતમાં હોવાનો અહેવાલ પાલિકાને આપ્યા બાદ આ પુલ તૂટી પડયો હતો. આને પગલે દેસાઈ સ્ટ્રકચરલ અૉડિટ પર કાર્યવાહી કરવાની સાથે પાલિકાએ મુંબઈના તમામ પુલોનું સ્ટ્રકચરલ અૉડિટ સ્ટ્રકવેલ એન્જિનિયરિંગ કંપની પાસે કરાવવાનો નિર્ણય લીધો હતો.
આ પુલની બાજુમાં ટાઈમ્સ અૉફ ઇન્ડિયા અને અંજુમન-એ-ઇસ્લામ જેવી હેરિટેજ ઇમારત હોવાથી સિમેન્ટ - કોંક્રિટની સીડી બનાવવા મોટા પાયે ખોદકામ અને બાંધકામ કરવું પડે.
આ બાંધકામને કારણે બંને હેરિટેજ ઇમારતોને નુકસાન થવાની આશંકા હોવાને કારણે હેરિટેજ સમિતિ પુલને પરવાનગી આપવાનું નકારે એવી શક્યતા છે. એટલે ઓછામાં ઓછું બાંધકામ અને સુરક્ષિત એવા એસ્કેલટર મૂકવાનું પાલિકા વિચારી રહી છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer