સત્તા માટે સોદાબાજી શરૂ

સત્તા માટે સોદાબાજી શરૂ
મુંબઈ, તા. 13 : ગવર્નર ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનો નિર્ણય જાહેર કર્યા પછી તેના આંચકામાંથી વિપક્ષો હજી બહાર આવ્યા નથી ત્યાં પોતાની જ સરકાર સ્થપાશે એમ માનીને તેઓએ ખાતાઓની વહેંચણી માટે તૈયારી કરી લીધી છે. આમ સત્તા માટે સોદાબાજી કરવાની કૉંગ્રેસ - રાષ્ટ્રવાદી કૉંગ્રેસની તૈયારી સામે શિવસેના કેટલું નમતું જોખે છે તે જોવું પણ રસપ્રદ થઈ રહેશે. શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપી બાકીના મહત્ત્વના ખાતાઓ પોતાની પાસે રહે તે માટે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ તકેદારી લીધાનું જાણવા મળે છે. જોકે, ખાતાઓની વહેંચણી અંગે શિવસેના સંમત થાય પછી જ તેનો મુખ્ય પ્રધાન બનાવવા કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી તૈયાર થશે એમ જણાય છે.
જોકે, મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપના માટે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે ચર્ચા થઈ ગયા પછી બંને પક્ષો પ્રધાનમંડળની રચના અંગે પોતપોતાની માગણીઓની યાદી શિવસેના સમક્ષ તે રજૂ કરશે. શિવસેના તેના પર મહોર મારશે કે ફેરફાર કરશે તે પછી વિપક્ષની સત્તા સ્થાપનનો માર્ગ મોકળો થશે એમ જણાય છે. હાલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસે પ્રધાનમંડળ માટે 1995ની ફોર્મ્યુલા પર ભાર મૂક્યો છે, જ્યારે કૉંગ્રેસે પોતાની 12 માગણીઓ પર ભાર મૂકતી હોવાનું જાણવા મળે છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવાર 1995ની જે ફોર્મ્યુલા આગળ કરી રહ્યા છે તેમાં તે વેળા મુખ્ય પ્રધાન શિવસેનાનો હતો, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન ભાજપનો હતો તેમ જ ભાજપને ગૃહ અને નાણાં જેવા અગત્યના ખાતા પણ મળ્યા હતા. આમ રાષ્ટ્રવાદી અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ પણ માગી રહી છે, જ્યારે કૉંગ્રેસે સમાન કાર્યક્રમ સહિત સમન્વય સમિતિ અને 12 પ્રધાનો સહિત વિધાનસભાના સ્પીકરનું પદ માગ્યું છે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે કૉંગ્રેસનો નાયબ મુખ્ય પ્રધાન હોવો જોઈએ એવી પણ કૉંગ્રેસની માગ હોવાનું જાણવા મળે છે.
કૉંગ્રેસના નેતાઓએ મંગળવારે જ પોતાની માગણીઓની યાદી રાષ્ટ્રવાદીને સોંપી હોવાનું જાણવા મળે છે. ચાર આમદાર દીઠ એક પ્રધાનપદ એમ 11 પ્રધાનપદ કૉંગ્રેસે માગ્યા છે. કૉંગ્રેસે પાંચ વર્ષ નાયબ મુખ્ય પ્રધાનપદ, વિધાનસભાના સ્પીકરનું પદ, મહામંડળોમાં સમાન વહેંચણી ઉપરાંત મહાપાલિકાની ચૂંટણીઓમાં પણ યોગ્ય બેઠક ફાળવણીની ફોર્મ્યુલા હોવી જોઈએ એવી 12 માગણીઓ કરી છે.
મુખ્ય પ્રધાનપદ પ્રથમ અઢી વર્ષ શિવસેનાને તો બીજા અઢી વર્ષ રાષ્ટ્રવાદી પાસે હોય એવી વ્યવસ્થા સાથે રાષ્ટ્રવાદીએ ગૃહ, કૃષિ, મહેસૂલ એવા મહત્ત્વના ખાતા માગ્યા છે. ત્રણે પક્ષોની સમન્વય સમિતિ સ્થાપન કરીને તેમાં નીતિગત નિર્ણય લેવા પહેલા તેના પર ચર્ચા થવી જોઈએ એમ પણ કૉંગ્રેસે જણાવ્યું છે.
આવતા 10-12 દિવસમાં શિવસેનાને સાથે લઈ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સત્તા સ્થાપન કરવાનો દાવો કરશે એમ જાણવા મળે છે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer