અર્થવ્યવસ્થાની નબળાઈના દબાણથી નિફટીનો સુધારો રૂંધાયો

અર્થવ્યવસ્થાની નબળાઈના દબાણથી નિફટીનો સુધારો રૂંધાયો
વાહન, આઈટી, નાણાં સેવા ક્ષેત્રે વેચવાલીમાં વધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : વૈશ્વિક અને એશિયન શૅરબજારોમાં સમગ્ર રીતે સુધારા વચ્ચે સ્થાનિક શૅરબજારનો સેન્ટીમેન્ટ નબળો રહ્યો હતો. આર્થિક વૃદ્ધિદર ઘટવા સાથે વાર્ષિક ખાધ ઊંચા સ્તરે આવી છે. બીજી તરફ વાહન ક્ષેત્રનું વેચાણ-નિકાસ સતત ઘટી રહી હોવાથી બજારમાં મુખ્ય શૅરમાં વેચવાલી વધી હોવાના સ્પષ્ટ સંકેત મળ્યા હતા. શરૂઆતમાં બીએસઈ સેન્સેક્ષ 41093 સુધી ઊંચે ગયા પછી એક તબક્કે ઘટીને 40770 સુધી નીચે ઊતર્યો હતો, પરંતુ ભારતી ઍરટેલ, વોડાફોન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લેવાલીથી સેન્સેક્ષ થોડો રિકવરી સાથે ટ્રેડ અંતે 8 પૉઈન્ટ સુધારે 40802 પર સ્થિર રહ્યો હતો, પરંતુ એનએસઈ ખાતે નિફટી 8 પૉઈન્ટ ઘટીને 12048 બંધ રહ્યો હતો. નિફટી 12131ની ઊંચાઈથી ઘટયો હતો. આજે નિફટીના અગ્રણી શૅરમાંથી 30 ઘટવા સામે 20 શૅર સુધારે રહ્યા હતા. બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્ષ 116 પૉઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં બાવન પૉઈન્ટનો ઘટાડો હતો. આજે જિઓ અને ઍરટેલે ટેરિફ વધારતાં આ શૅરોમાં સ્વાભાવિક ઉછાળો હતો, પરંતુ વાહન ઈન્ડેક્ષ 72 પૉઈન્ટ ઘટયો હતો. નાણાસેવા ઈન્ડેક્ષ 86 પૉઈન્ટ, બૅન્કેક્ષ 75 પૉઈન્ટ, એફએમસીજી ઈન્ડેક્ષમાં 86 પૉઈન્ટ અને આઈટી ઈન્ડેક્ષમાં 1 ટકાનો સંગીન ઘટાડો થયો છે. બજારના હવે આરબીઆઈ દ્વારા વ્યાજદર બાબતના મહત્ત્વપૂર્ણ નિર્ણયની રાહ જોવાશે.
દરમિયાન આજે વાહન વેચાણ ઘટવાના સતત અહેવાલોએ આઈશર મોટર્સમાં રૂા. 1168નું ગાબડું નોંધાયું હતું. મારુતિ સુઝુકીની નિકાસ નોંધપાત્ર ઘટતાં શૅરમાં રૂા. 106નો ઘટાડો હતો. તાતા સ્ટીલનું આઉટલૂક સંશોધન સંસ્થાએ ડાઉનગ્રેડ પરના શૅર રૂા. 7 ઘટયા હતા. હીરો મોટર્સ રૂા. 26, બજાજ અૉટોમાં રૂા. 17નો ઘટાડો નોંધાયો હતો. બૅન્કિંગમાં યસ બૅન્ક રૂા. 4, એસબીઆઈ રૂા. 3, ટેકમહિન્દ્રા રૂા. 13, ટીસીએસ રૂા. 32, બજાજ ફીનસર્વ રૂા. 162 ઘટયા હતા.
મોબાઈલ નેટવર્કના ભાવમાં નોંધપાત્ર વધારાથી કંપનીઓની ખોટ ઘટવાના એંધાણે ભારતી ઍરટેલ રૂા. 16 અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રૂા. 35ના વધારા સાથે ભાવ રૂા. 1614 કવોટ થયો હતો. વોડાફોન 24 ટકા ઉછાળે હતો. જેને લીધે બજારને થોડો ટેકો મળ્યો છે. ખાનગી બૅન્કોમાં લેવાલીથી ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 7, ગ્રાસીમ રૂા. 20, એશિયન પેઈન્ટ રૂા. 35, કોટક બૅન્ક રૂા. 18 અને એક્સિસ બૅન્ક રૂા. 5 સુધારે રહ્યો હતો.
નિષ્ણાતો અને ટેક્નિકલી ચાર્ટના અનુમાન પ્રમાણે નિફટીમાં હવે 12100 અને 12150 મુખ્ય પ્રતિકાર ઝોન ગણાશે. નિફટીએ 12000ની સપાટી તોડી નથી, પરંતુ સ્થાનિકમાં અર્થવ્યવસ્થાની નબળાઈથી તેની અસર જોવાશે. આરબીઆઈની નાણાંસમીક્ષા પછી બજારનો નવો ટૂંકા ગાળાનો ટ્રેન્ડ નક્કી થઈ શકે છે. જેથી રોકાણકારોમાં સાવધાનીનું વલણ જોવાયું હતું, એમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
વૈશ્વિક-એશિયન બજારો
ચીનનો મેન્યુફેકચરિંગ આંક સારો એવો સુધારે રહેવા સાથે અમેરિકા સાથેના ટ્રેડ કરાર આગળ વધવાના નવા આશાવાદે એશિયન-યુરોપના બજારો સુધારે રહ્યા હતા. જપાન ખાતે નિક્કી 1 ટકા, દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી 0.19 ટકા, હૉંગકૉંગનો હૅંગસૅંગ 98 પૉઈન્ટ, શાંઘાઈ ઈન્ડેક્ષ 4 પૉઈન્ટ, યુરોપનો મુખ્ય યુરો સ્ટોકસ-600 0.26 ટકા, જર્મન ડેકસ 0.23 ટકા વધ્યા હતા. બ્રિટન અને ફ્રાન્સના બજારો પણ મજબૂત રહ્યા હતા.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer