ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન વધતાં સોનું નરમ

ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન વધતાં સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.2 : ચીનમાં ફેક્ટરી ઉત્પાદનની પ્રવૃત્તિમાં વધારો થયાના સંકેતો મળવાથી વૈશ્વિક અર્થતંત્રને વિકાસનું બળ મળશે એવી ધારણા વચ્ચે ડોલર પણ ઊંચકાતા સોનામાં વેચવાલી વચ્ચે સોમવારે નરમાઇ હતી. ન્યૂ યોર્કમાં સોનું ઔંસદીઠ 1457 ડૉલરના સ્તરે હતુ.
નવેમ્બર મહિના દરમિયાન ચીનમાં ઉત્પાદન ક્ષેત્રે અપેક્ષાથી વધુ પ્રગતિ જોવા મળી છે. ફેક્ટરીઓની કામગીરી પાછલા ત્રણ વર્ષમાં સૌથી સારી રહી છે. કેઇસીન મેન્યુફેક્ચરીંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં સુધરીને 51.8 સુધી પહોંચ્યો હતો. જે અગાઉના મહિનામાં 51.7 હતો. ડિસેમ્બર 2016 પછી આ સ્તર પ્રથમ વખત જોવા મળ્યો છે. એ વખતે 51.9ની સપાટીએ ઇન્ડેક્સ હતો.
ચીનની માર્કેટમાં સુધારો થાય તો તમામ વિકાસશીલ અર્થતંત્રોને પણ ગતિ મળશે તેવી ધારણા વચ્ચે સોનામાં સલામત રોકાણની માગમાં ઘટાડો થતાં વેચવાલી જોવા મળી હતી તેમ જીયોજીતના હરીશ વી કહે છે. ચલણ બજારમાં ડોલરનું મૂલ્ય પણ આ સમાચારને લીધે સુધર્યું હતું. બીજી તરફ હૉંગકૉંગમાં દેખાવકર્તાઓને અમેરિકા દ્વારા ટેકો અપાઇ રહ્યો હોવાના કારણે ચીન-અમેરિકા વચ્ચે વેપાર સંધિની વાત અટકી પડી હોવાનું અનુભવાઇ રહ્યું છે.
જોકે એએનઝેડના વિશ્લેષક કહે છે, સોનાની બજારમાં ચીનના આંકડાઓને લીધે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો છે જે ટકાઉ નથી. બજાર ચોક્કસ રેન્જમાં છે અને બજારની સ્થિતિ ગયા અઠવાડિયા કરતા બદલાઇ નથી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટસોનું 10 ગ્રામ દીઠ રૂા. 100 ઘટી રૂા. 38,900 અને મુંબઇમાં રૂા. 40 ઘટી રૂા. 37,979 હતું. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 16.83 ડોલર રનિંગ હતો. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 300 તૂટીને રૂા. 44,900 અને મુંબઇમાં રૂા. 170 ઘટતા રૂા. 44,200 હતી.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer