નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સુધર્યો

નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સુધર્યો
મુંબઈ, તા. 2 : દેશના ઉત્પાદન ક્ષેત્રમાં કામકાજ નવેમ્બરમાં આંશિક સુધર્યું હતું, પરંતુ માગ મંદ રહેતા નવા ઓડર્સમાં વૃદ્ધિ ઘટી હતી, તેમ જ ઉત્પાદન પણ સ્થિર રહ્યું હતું. નવેમ્બરમાં આઈએચએસ માર્કિટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 51.2 હતો, જે અૉક્ટોબરમાં બે વર્ષની નીચલી સપાટીએ 50.6 હતો. 
નવેમ્બરમાં દેશના ઉત્પાદન ક્ષેત્રમાં બિઝનેસ વાતાવરણ સુધર્યું હતું. જોકે, આ વધારો વર્ષના શરૂઆતની સરખામણીએ મંદ રહ્યો હતો. સતત 28માં મહિને ઉત્પાદન પીએમઆઈ 50ની ઉપર રહ્યો છે, જે વિસ્તરણને સંકોચનથી દૂર રાખે છે. 
આઈએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ પોલિયાના ડી' લીમાએ કહ્યું કે, અૉક્ટોબરમાં નોંધપાત્ર ઘટાડા બાદ નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગતિ આવી હતી. જોકે, હજી પણ ફેક્ટરી ઓડર્સ, ઉત્પાદન અને નિકાસના આંકડા 2019ની શરૂઆતની સરખામણીએ ઓછા છે. સર્વે મુજબ, નવેમ્બરમાં ઉત્પાદન કામકાજ વધવાનું મુખ્ય કારણ નવા પ્રોડકટ્સ અને સારી માગ સ્પર્ધાત્મક દબાણ અને બજારની અસ્થિર પરિસ્થિતિને લીધે હતું. 
અર્થતંત્ર બાબતે અમૂક સ્તરે અનિશ્ચિતતા હોવાથી બિઝનેસ આશાવાદ મંદ રહ્યો છે. તેમ જ કંપનીઓએ છેલ્લાં દોઢ વર્ષમાં પહેલી વખત નોકરીઓ ઓછી કરી છે. આંતરિક ખરીદીમાં ફરી ઘટાડો થવાના સંકેતો છે. વૃદ્ધિના પરિબળો નહીં જણાતા કંપની આ પડકારના સમયગાળામાં કોઈ મક્કમ પગલું લેતા અચકાઈ રહી છે. નવેમ્બરમાં આંતરિક ખર્ચ અને ઉત્પાદન ચાર્જિંસમાં ફુગાવો આંશિક વધ્યો હતો. 
લીમાએ ઉમેર્યું કે, પીએમઆઈના આંકડા ક્ષેત્રમાં ફુગાવાનું દબાણનો અભાવ દર્શાવે છે. તેમ જ અર્થતંત્રની વૃદ્ધિમાં મંદીને લીધે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સ્થિર વલણ અપનાવી શકે છે અને ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકે છે. પાંચમી ડિસેમ્બરની મિટિંગમાં આરબીઆઈ સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કરીને વૃદ્ધિને ટેકો આપી શકે છે, જે સાડા છ વર્ષથી પણ વધુ સમયની નીચલી સપાટીએ છે, એમ નિષ્ણાતોનું માનવું છે. વર્ષ 2019માં આરબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસે કામકાજ સંભાળ્યુ તે પછીથી સતત પાંચ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં કુલ 135 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ જ નાણાકીય પ્રણાલીમાં લિક્વિડિટી વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. ઉત્પાદન ક્ષેત્રમાં કામકાજ મંદ પડતા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ માત્ર 4.5 ટકાએ થઈ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 7 ટકા અને જૂન'19 ત્રિમાસિકમાં પાંચ ટકા હતી.   

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer