બાર મહિનાના ગાળામાં સફળતા અને નિષ્ફળતા બંનેનો અનુભવ મળ્યો હતો : અર્જુન કપૂર

બાર મહિનાના ગાળામાં સફળતા અને નિષ્ફળતા બંનેનો અનુભવ મળ્યો હતો : અર્જુન કપૂર
ફિલ્મ પાનીપતમાં મરાઠા પેશવાની ભૂમિકામાં જોવા મળનારા અર્જુન કપૂરની છેલ્લે રજૂ થયેલી ફિલ્મો બોક્સ અૉફિસ પર પટકાઇ ગઈ હતી. આથી હવે પાનીપતની સફળતા પર તેની કારકિર્દીનો મહત્તમ આધાર છે. તેણે આ બાબતમાં કહ્યું હતું કે, મેં બાર મહિનાના ગાળામાં ઇશ્કઝાદે અને ઔરંગઝેબની રજૂઆત સાથે સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખી લીધો હતો. દરેકના જીવનમાં નિષ્ફળતા આવે જ છે. જીવનના આ તબક્કામાં તમે કેવી પ્રતિક્રિયા આપો છો તેના આધારે તમે સ્ટાર, કલાકાર અને માનવ તરીકે કેવા છો તેની જાણ થાય છે. કલાકારે ફિલ્મની નિષ્ફળતા સ્વીકારવી જ રહી. પ્રેક્ષકોને ફિલ્મ પસંદ ન આવી એ નિષ્ફળતા છે. મેં તો સમજીવિચારીને ફિલ્મ પસંદ કરી હતી પરંતુ પ્રેક્ષકોની પસંદ કરતા અલગ પડી એટલે હવે હું મારી પસંદગીઓમાં વધુ સચેત રહીશ. બે ખરાબ શુક્રવાર હું કોણ છું તે ન કહી શકે. હું આનાથી ઘણી વધુ કાબેલિયત ધરાવું છું. 
અર્જુનના પિતા બોની અજય દેવગણને લઇને સૈયદ અબ્દુલ રહીમના જીવન પર ફિલ્મ મેદાન બનાવી રહ્યા છે. આ વિશે વાત કરતા અર્જુને કહ્યું હતું કે, હું નાનો હતો ત્યારે સ્થૂળ હોવાથી મેદાનમાં રમત રમી શકતો નહીં. આ બાબતનો ખેદ મને આજીવન રહેશે. મારા પિતાની ફિલ્મનો દિગ્દર્શક અમિત શર્મા છે અને હું તેને મારા પિતાનો ગમતો પુત્ર કહું છું. જોકે, હું મારા પિતા સાથે તામિલ ફિલ્મ કોમાલની હિન્દી રિમેકમાં અભિનય કરું છું. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. 
દરમિયાન અર્જુનના વ્યવસાયિક જીવન સાથે અંગત જીવન પણ ચર્ચામાં છે. મલયકા અરોરા સાથેના સંબંધોને તેણે કબુલ્યા છે અને બંને જાહેરમાં સાથે જોવા મળે છે. જોકે, અર્જુને હાલમાં લગ્નનો વિચાર ન હોવાની વાત ભારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે, મારી પાસે છુપાવવા જેવું કશું નથી. પરંતુ હાલ લગ્ન કરવાનો ઇરાદો નથી. લોકો આ વિશે ચર્ચા કરતા રહે, પરંતુ મને એનાથી ફરક પડતો નથી.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer