હવે બમન ઇરાની પણ સિનિયર સિટિઝન

હવે બમન ઇરાની પણ સિનિયર સિટિઝન
60 વર્ષની વયે પહોંચનાર વ્યક્તિ સિનિયર સિટિઝન બની જાય છે. અભિનેતા બમન ઇરાનીએ તાજેતરમાં જ આ માન મેળવ્યું છે. પોતાના 60મા જન્મદિને ઉત્સાહિત જોવા મળેલા બમને કહ્યું હતું કે, મેં અભિનય ક્ષેત્રે મોડો પ્રવેશ કર્યો છે એટલે મારે હજુ ઘણું શીખવાનું બાકી છે. જોકે, તે અગાઉના વર્ષોમાં પણ મેં ઘણા કામ કર્યા છે અને તેમાંથી ઘણું શીખ્યો છું. આ જ પ્રક્રિયા મારા જીવનનું મૂળતત્ત્વ છે. તમે જીવનમાં જે શીખો છો તે બીજાને નહીં આપો તો તમારું શીખ્યું એળે જશે. મારે હજુ ઘણું આપવાનું બાકી છે. સામાન્ય રીતે હું જન્મદિન ઊજવવામાં માનતોનથી, પરંતુ આ 60મો જન્મદિન હોવાથી મારા પરિવારજનો અને મિત્રો ઉત્સાહિત છે. તેમણે આ માટે પાર્ટીનું આયોજન કર્યું છે પરંતુ મને તે વિશે કશું કહ્યું નથી. મને હંમેશા પરિવારજનો અને અંગત મિત્રો સાથે સેલિબ્રેશન કરવું  ગમે છે. 
બમને પોતાના નાનપણની યાદોને વાલોળતાં કહ્યું હતું કે, હું સેંટ મેરી સ્કૂલમાં ભણતો હતો ત્યારે  જન્મદિને મોટી કાગળની થેલીમાં પીપરમિન્ટો લઇ જતો. હાથમાં થેલી લઇને શાળામાં પ્રવેશતો ત્યારે મારું હૃદય આનંદથી ઉછળતું. મારે ક્લાસમાં દરેક વિદ્યાર્થીને બે પીપરમિન્ટ આપવાની રહેતી. ત્યાર બાદ તેઓ મારા માટે ગીત ગાતા. આથી મને અપાર આનંદ થતો હતો. બધાના કેન્દ્રમાં હું રહેતો. 
હાલમાં બમને ઇરાની મુવીટોન નામની ફિલ્મ નિર્માણ કંપની સ્થાપી છે. તેનું કહેવું છે કે આ કંપની દ્વારા હું મને ગમતી ફિલ્મો બનાવીશ. નવોદિત લેખકોને પ્રોત્સાહન આપીશ. 
બમન અભિનિત છેલ્લી ફિલ્મ મેટ ઇન ચાઇના બોક્સ અૉફસિ પર ખાસ ચાલી નહોતી. પરંતુ એનો તેને અફસોસ નથી. બમને જણાવ્યું હતું કે, મેં આ ફિલ્મમાં ભજવેલી ભૂમિકાથી મને સંતોષ છે.
 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer