નેપાળની અંજલિએ એકપણ રન આપ્યા વિના ખેડવી 6 વિકેટ

નેપાળની અંજલિએ એકપણ રન આપ્યા વિના ખેડવી 6 વિકેટ
માલદીવને પાંચ બોલમાં 17 રન બનાવીને હરાવ્યું
નવી દિલ્હી, તા. 2 : નેપાળની અંજલિ ચંદે સોમવારે ઈતિહાસ રચતા દક્ષિણ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વિના 6 વિકેટ લીધી હતી. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલા મુકાબલામાં માલદીવ મહિલા ટીમ સામે ઉપલબ્ધી મેળવી હતી.
દક્ષિણ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ પ્રતિયોગિતાના પહેલા જ મુકાબલામાં અંજલિએ ઈતિહાસ રચ્યો હતો. નેપાળે માલદીવની મહિલા ટીમને માત્ર 16 રનમાં ઓલઆઉટ કરી હતી. ત્યારબાદ માત્ર પાંચ બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 17 રન કરીને મુકાબલો જીતી લીધો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ માટે ઓપનર કાજલ શ્રેષ્ઠએ 13 રન કર્યા હતા. મેચમાં અંજલિએ 2.1 ઓવરમાં 6 વિકેટ લીધી હતી અને ક્રિકેટ જગતનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્કોર કર્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારતના દીપક ચહરના નામે સર્વશ્રેષ્ટ બોલિંગ ફિગર છે. ચહરે બંગલાદેશ સામે 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. 
 

Published on: Tue, 03 Dec 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer