ન્યૂ ઝીલૅન્ડના 375 સામે ઇંગ્લૅન્ડના 476 રન

ન્યૂ ઝીલૅન્ડના 375 સામે ઇંગ્લૅન્ડના 476 રન
હેમિલ્ટન ટેસ્ટ : રુટની ભવ્ય બેવડી સદી, ઇંગ્લેન્ડ મજબૂત, ન્યૂ ઝીલૅન્ડના બીજા દાવમાં બે વિકેટે 96 રન : ટેસ્ટ રોચક 
હેમિલ્ટન, તા. 2: હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં 375 રન ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે 476 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન રુટે કેપ્ટન ઇનિંગ્સ રમીને 441 બોલમાં 226 રન બનાવ્યા હતા જેમાં 22 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોપે 75 રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે 124 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આજની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બે વિકેટે 96 રન કર્યા હતા. કેપ્ટન વિલિયમસન 37 અને ટેલર 31 રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડ હજુ પણ પાંચ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આવતીકાલે આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે બાટિંગ કરવાની મોટી જવાબદારી રહેશે. કારણ કે સસ્તામાં આઉટ થવાની સ્થિતિમાં ઇંગ્લેન્ડને જીતવાની તક મળી શકે છે.  ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 375 રન ઓલઆઉટના જવાબમાં રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને 269 રન બનાવી લીધા હતા.  આજે આગળ રમવાની શરૂઆત કરી હતી. રુટ અને પોપ છવાયેલા રહ્યા હતા. બંનેએ ન્યુઝીલેન્ડના બોલરો સામે મક્કમતાપૂર્વક બાટિંગ કરીને તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.  આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને 65 રને જીત મેળવીને શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. રુટની શાનદાર બાટિંગ જારી રહી હતી. રુટે 441 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા પરંતુ 336 મિનિટ સુધી તેની બાટિંગ રહી હતી જેથી ક્રિકેટ ચાહકો ધીમી બાટિંગના લીધે નિરાશ થયા હતા.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer