કાંગારુ કૌવત સામે પાકનો સફાયો

કાંગારુ કૌવત સામે પાકનો સફાયો
બૅટિંગ, બૉલિંગ મોરચે બળુકા દેખાવ સાથે ઓસીએ એક દાવ 48 રને હરાવી શ્રેણી જીતી લીધી
એડિલેડ, તા.2 : ટેસ્ટના પ્રારંભથી જ ત્રેવડી સદી સાથે ડેવિડ વોર્નરે મજબૂત પાયો નાખ્યા બાદ બન્ને દાવોમાં બળૂકાં બોલિંગ આક્રમણનાં બળે લગાતાર બીજી વાર આખેઆખા એક દાવથી પાકિસ્તાનને પછાડીને ઓસ્ટ્રેલિયાએ 2-0થી શ્રેણી જીત સાથે હરીફ ટીમનો સફાયો કરી નાખ્યો હતો. 
ફોલોઓન પછી પણ પાક ટીમ આજે ચોથા દિવસે 239 રને સમેટાઈ જતાં એક દાવ અને 48 રનથી કારમી હાર ખમવી પડી હતી. 
ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ 589 રને ડિક્લેર કર્યા પછી 302 રનમાં ઓલ આઉટ થઈ ગયેલી પાક ટીમના કાંગારૂ બોલિંગ આક્રમણ સામે 239 રનમાં વાવટા વીટાઈ ગયા હતા.
કાંગારૂ ટીમ વતી બેટિંગ મોરચે વોર્નર (335), લાબુશેન (162) અને બોલિંગના મોરચે મિશેલ સ્ટાર્ક (પહેલાં દાવમાં 6 વિકેટ) અને નથા લાયોન (બીજા દાવમાં 5 વિકેટ) શાનદાર જીતના ઘડવૈયા બન્યા હતા.
પાકિસ્તાન તરફથી બીજા દાવમાં શાન મસુદે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. બ્રિસ્બેન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર એક ઇનિગ્સ અને પાંચ રને જીત મેળવી હતી.
પાકિસ્તાન તરફથી આધારભૂત બેટ્સમેન બાબર આઝમે 104 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 3 વિકેટે 589 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 302 રન કરીને ઓલઆઉટ થયા બાદ તેને ફોલોઓનની ફરજ પડી હતી અને ફોલોઓન બાદ પણ બીજા દાવમાં તેના બેટ્સમેનો કોઇ નોંધપાત્ર દેખાવ કરી શક્યા ન હતા. સ્ટાર્કના તરખાટના કારણે પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 302 રન જ કરી શકી હતી.
પાકિસ્તાન તરફથી યાસીર શાહે 113 રન કર્યા હતા જ્યારે બાબર આઝમે 97 રન બનાવ્યા હતા. તે નવર્સ નાઇન્ટીનો શિકાર થયો હતો. સ્ટાર્કે 66 રન આપીને છ વિકેટ ઝડપી હતી. 
ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને પાંચ અને હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગરુપે આ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારત હાલમાં અન્ય ટીમો કરતા આગળ છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer