પંકજા મુંડે શિવસેનામાં જોડાશે?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : ભવિષ્યમાં આગળ શું? કયા માર્ગે જવું? એ 12 ડિસેમ્બરે જાહેર કરીશ, એવી ફેસબુકની પોસ્ટ બાદ ભાજપનાં નેતા પંકજા મુંડેએ સોમવારે તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો હતો. એટલે તેવો હવે તેઓ શિવસેનાનો હાથ પકડશે કે શું એવી ચર્ચા રાજકીય વર્તુળમાં થઈ રહી છે. 
પંકજાની રવિવારની ફેસબુક પોસ્ટને લીધે અનેક તર્ક વિર્તક શરૂ થયા હતા. સોમવારે સવારે પંકજાએ ટ્વીટર એકાઉન્ટમાંથી ભાજપનો ઉલ્લેખ કાઢી નાખ્યો હતો. આ પહેલા પંકજાના પ્રોફાઈલમાં તેના પ્રધાનપદનો ઉલ્લેખ હતો. પરંતુ વિધાનસભની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ પ્રધાનપદનો ઉલ્લેખ તેમણે કાઢી નાખ્યો હતો.
હાલ ભાજપના નેતા કે ભાજપના સંદર્ભમાં કોઈપણ ઉલ્લેખ તેમના એકાઉન્ટ પર નથી. ટ્વીટરના કવરપેજ પર જનતાનું અભિવાદન કરતા હોય એવો તેમનો ફોટો અને પિતા સ્વર્ગીય ગોપીનાથ મુંડેની તસવીર છે. 
પરળી મતદારસંઘમાંથી ભાજપ વતી ચૂંટણી લડનાર પંકજા મુંડેનો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા ધનંજય મુંડે સામે પરાજય થયો હતો. ધનંજય મુંડે તેમનો પિતરાઈ ભાઈ છે. પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટમાં એમપણ લખ્યું હતું કે 12 ડિસેમ્બરે મારા સ્વર્ગીય પિતા ગોપીનાથ મુંડેની જન્મતિથિ છે અને એ દિવસે હું મારા ભવિષ્ય વિશેનો નિર્ણય જાહેર કરીશ. એટલે રાજકીય વર્તુળમાં આ દિવસની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. 
દરમિયાન, પંકજા શિવસેનાની દિશામાં જશે કે મહાદેવ જાનકરના રાષ્ટ્રીય સમાજ પક્ષમાં જોડાશે તે બાબતે અનેક ચર્ચાઓ થઈ રહી છે. મહાદેવ જાનકર સ્વ. ગોપીનાથ મુંડેના માનસપુત્ર હતા. જો પંકજા અને મહાદેવ જાનકર સાથે થશે તો રાજ્યમાં ઓબીસી એક કરવાની તૈયારીઓ થશે તેમ પણ ચર્ચાઈ રહ્યંy છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer