મુંબઈ, તા. 2 : ભાજપના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેના પક્ષાંતરની ચર્ચાએ જોર પકડતા ભાજપમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને વિનોદ તાવડેએ પત્રકાર પરિષદ બોલાવીને આ ગેરસમજણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટ કર્યું હતું કે, પંકજા પક્ષાંતર કરવાના છે એ માત્ર અફવા છે. તેઓ ભાજપમાં હતા અને રહેશે.
પરલી વિધાનસભા મતદાર સંઘમાંથી પરાજય થવાથી પંકજા નારાજ છે. પક્ષના જ કેટલાક લોકોએ પોતાના વિરોધમાં કામ કર્યું હોવાનું પંકજાનું કહેવું છે.
પંકજા મુંડે બીજા પક્ષમાં જોડાવાનો વિચાર કરી રહ્યાં છે એ માત્ર અફવા છે. અમારી તેની સાથે વાત થઈ ગઈ છે. તેઓ ભાજપ છોડીને અન્ય કોઈ પક્ષમાં નહીં જાય. ભાજપને આગળ લાવવામાં ગોપીનાથ મુંડેનો મોટો ફાળો હતો. પંકજા તેમના હાથ નીચે જ ઘડાયા છે. તેણી ભાજપમાં છે અને રહેશે, તેવું ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટ કર્યું છે. 12 ડિસેમ્બરે ગોપીનાથ મુંડેની જયંતી છે. તેની માહિતી આપવામાં માટે કરેલી ફેસબુક પોસ્ટોનો જુદો અર્થ કાઢવાની જરૂર નથી, એમ પાટીલે કહ્યું હતું.
પંકજાની મામાઈ બહેન સંસદસભ્ય પૂનમ મહાજને કહ્યું હતું કે, પંકજા પરાજયને લીધે વ્યથિત છે, પણ તે પક્ષ છોડશે નહીં. મેં પોતે હારનો અનુભવ કર્યો છે એટલે હું તેની સ્થિતિ સમજી શકું છું.
Published on: Tue, 03 Dec 2019