ભાજપના અનેક નેતા શિવસેનાના સંપર્કમાં : સંજય રાઉત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : પંકજા મુંડે જ નહીં પણ રાજ્યના અનેક મોટા નેતાઓ શિવસેનામાં જોડાવવાની તૈયારીમાં છે, તેવો ઘટસ્ફોટ શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે સોમવારે કર્યો હતો. 12 ડિસેમ્બરે પંકજા મુંડે તેમની ભૂમિકા સ્પષ્ટ કરશે ત્યારે જ બધાને ખબર પડશે, તેમ રાઉતે ઉમેર્યું હતું. 
ચૂંટણી પહેલા સત્તાના બળે વિરોધી પક્ષના વિધાનસભ્ય, સંસદસભ્ય ફોડનાર ભાજપના દિવસો હવે ફરી ગયા છે. સત્તા જવાથી ભાજપમાં અસંતોષ ફેલાયો છે અને અનેક નેતાઓ સત્તાધારી મહાવિકાસ આઘાડીના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જેમાં ભાજપના નેતા પંકજા મુંડેના નામનો પણ સમાવેશ છે. ટ્વીટર પરથી ભાજપનો ઉલ્લેખ કાઢીને પંકજા મુંડેએ જાણે આ બાબતે સંકેત આપ્યો હોય તેવું લાગે છે. નાશિકમાં પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, પંકજા જ શું, બીજા અનેક નેતાઓ શિવસેનામાં પ્રવેશવા ઈચ્છુક છે. 
`બુલેટ ટ્રેન' યોજના બાબતે સંજય રાઉતે કહ્યંy હતું કે, બુલેટ ટ્રેનની ઉપયોગિતા બાબતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે પણ શંકા વ્યક્ત કરી છે. રાજ્ય સરકારના પૈસા જ યોજનામાં જતા હશે તો તેના પર તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવશે. `આરે' ની જેમ `નાણાર' યોજના વિરુદ્ધ આંદોલનકારીઓ સામેના ગુના પાછા ખેંચી લેવા સંબંધે મુખ્ય પ્રધાન નિર્ણય લેશે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer