સુરતમાં પ્રથમ તબક્કામાં 75 ઈલેક્ટ્રિક બસ દોડાવશે મનપા

પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ ઘટાડવા કટિબદ્ધ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 2: પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા કાજે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. સુરત મનપાએ જાહેરજનતા માટેના વાહનવ્યવહારની સિસ્ટમને સુદૃઢ બનાવવા બીઆરટીએસ અને સિટી બસ સેવાને યોગ્ય રીતે લાગુ કરીને લાખો લોકોને મનપાની ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતાં કર્યા છે. હવે, સુરત મનપાએ સિટીબસ સેવામાં ઈલેકટ્રીક બસને દોડાવવાનું આયોજન કર્યુ છે. પ્રથમ તબક્કામાં 75 ઈ-બસ દોડાવવામાં આવશે. જે માટે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે.
સુરત મનપાની ક્રુટિની કમિટીમાં હૈદરાબાદની એજન્સીનાં ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યાં છે. કંપનીને દસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 75 બસ અને બીજા તબક્કામાં વધુ 75 બસ સાથે કુલ 150 ઈ-બસ દોડાવવામાં આવશે. રૂા. 1.07 કરોડની ઈલેકટ્રીક બસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ બસ 40 ટકા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેમ જ નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા 40 ટકા સબસિડી આપવામાં આવશે. 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer