ડીપીએસ પરિસરમાંથી નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ પર ફરી વળશે બુલડોઝર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.2 : અમદાવાદ કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમમાં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યા છે. અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલો નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઇને આશ્રમ છોડી બેંગ્લુરુ જઇ રહ્યા છે. તેમના માટે બે લકઝરી બસ પણ બોલાવવામાં આવી હતી.
આશ્રમમાંથી નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી થઈ છે. પોલીસ પ્રોટેક્શન સાથે સાધકોએ આશ્રમ ખાલી કર્યો હતો. સાધકો સાથે  28 બાળકોને પણ લઇ જવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ડીપીએસ સ્કૂલને આશ્રમ ખાલી કરવા માટે 3 મહિનાની નોટિસ આપવામાં આવી હતી. જે બાદ આખરે આજે આશ્રમ ખાલી થયો છે.  સાધક-સાધ્વીઓ  રવાના થયા બાદ ડીપીએસ સ્કૂલ સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળશે.
સાધકોએ કે આશ્રમના કોઇપણ લોકોએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.  તમામ સાધકો-સાધ્વીઓ ચૂપચાપ પોતાનો સામાન લઇને આશ્રમ બહાર નીકળી ગયા હતા અને બે લકઝરી બસમાં બેસી રવાના થયા હતા. કેટલાક બાળકોના માતા-પિતા તેમને લેવા માટે આવી ગયા હતા. આ મામલે અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે, નિત્યાનંદિતા ગુમ થવા મામલે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાથી કેસમાં સંકળાયેલા આઠ સાધકો અને સાધ્વીઓને અમદાવાદ નહીં છોડવા માટે પોલીસે જાણ કરી હતી જેથી તેઓ તેમના ભાડે રાખેલા બંગલોઝમાં રહેશે. 
દરમિયાન નિત્યાનંદ આશ્રમ કેસના વિવાદમાં ડીપીએસના સીઇઓ અને પૂર્વ ટ્રસ્ટી મંજુલા શ્રોફ અને હિતેન વસંત દ્વારા પોતાની સંભવિત ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. વિવેકાનંદ નગર પોલીસ મથકમાં આ કેસ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ ધરપકડથી બચવા ડીપેએસ સ્કૂલના આ બંને માંધાતાઓ કોર્ટના શરણે આવ્યા છે. 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer