સુરતમાં દારૂની 517 બોટલ સાથે ત્રણ મહિલા ઝડપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 2 : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દારૂના અડ્ડા બેફામ ચાલી રહ્યા છે. તેમ જ દારૂની હેરફેરમાં પણ વધારો નોંધાયો છે. આજે શહેર પોલીસે વરાછાના ઘનશ્યામનગરમાં રિક્ષામાંથી ત્રણ મહિલાઓને 517 જેટલી દારૂની બોટલ સાથે ઝડપી લીધી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની હેરફેરમાં સામેલ બુટલેગરો દ્વારા મહિલાઓનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનો તાજો દાખલો સુરતમાં દિનદહાડે દારૂની હેરફેર કરતી ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી ત્યારે પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરાર રિક્ષાચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે. મહિલાઓ પાસેથી ચાર જેટલા પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. જેમાં 517 નંગ દારૂની બોટલો પોલીસને હાથ લાગી છે. પોલીસે અંગઝડતી મહિલાઓ પાસેથી શરીરે બાંધેલી 144 બોટલો ઝડપી હતી. જેની કિંમત રૂા. 7500 હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ ઝડપાયેલી કુલ 517 દારૂની બોટલની કિંમત 33 હજાર આંકવામાં આવી છે.  
મહિલાઓ પાસે  દારૂનો જંગી જથ્થો ક્યાંથી આવ્યો અને કયો બુટલેગર દારૂની ખેપમાં સંકળાયેલો છે તે સહિત રિક્ષાચાલક ક્યાં નાસ્યો છે તેની માહિતી મેળવવા માટે પોલીસે પકડાયેલી મહિલાઓની કડક પૂછપરછ આદરી છે.
 
 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer