પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતી કાર્યક્રમની તડામાર તૈયારીઓ

ચોથી ડિસેમ્બરે નેરુલના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ભવ્ય આયોજન
અમારા પ્રતિનિધિ તરફથી,
મુંબઈ, તા. 2 : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બાપ્સ)ના પ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મજયંતી પ્રસંગે મુંબઈ ખાતે ચોથી ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ પ્રસંગે બાપ્સના મહંત સ્વામી મહારાજ હાજર રહી હરિભક્તોને આશીર્વચન આપશે. લગભગ એકાદ વર્ષથી આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે અને નેરુલ, નવી મુંબઈ ખાતે ડી વાય પાટીલ સ્ટેડિયમમાં યોજાનારા વિવિધ આયોજનો માટે છેલ્લા એક મહિનાથી હજારો-લાખો હરિભક્તો પોતાનો પૂર્ણ સમય આ કાર્યને સમર્પિત કરી રહ્યા છે.
આ આયોજન વિશે માહિતી આપતા સાધુ જ્ઞાનાનંદદાસજીએ જણાવ્યું હતું કે, ``પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસન મુક્તિ, ગામોમાં એકતા તથા અન્ય સમાજલક્ષી કાર્યોને વિવિધ માધ્યમો દ્વારા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. આ ભવ્ય-દિવ્ય સાંસ્કૃતિક આયોજનમાં 1200 બાળકો-યુવાનો ભાગ લેવાના છે. ત્યારબાદ સદગુરુ સંતોના પ્રવચન અને મહંત સ્વામીબાપા આશીર્વચન આપશે.'' આ આયોજન સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આયોજન સ્થળની આસપાસના રસ્તાનું તથા વિસ્તારમાં પણ સ્વચ્છતા અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે.
લાખો-કરોડો લોકોના જીવન બદલનાર પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ જેવા અલૌકિક ધામ, 1200 મંદિરોના નિર્માણમાં પ્રેરણાત્રોત બન્યા હતા. તો 1000 સાધુઓ, હજારો સત્સંગ કેન્દ્રો અને સેંકડો માનવતાવાદી કાર્યો ઉપરાંત સાડા સાત લાખ પત્રો, અને અઢી લાખ ઘરોની મુલાકાત લઈ સત્તર હજાર ગામો અને શહેરોમાં લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. આવા પ્રમુખ સ્વામીજીએ લાખોના જીવનને વિશિષ્ટ બનાવ્યા છે અને તેમના 98મા પ્રાગટય દિનના આ આયોજનમાં સહભાગી થવા દેશ-વિદેશથી હરિભક્તો મુંબઈ આવ્યા છે અને મહંત સ્વામી મહારાજ સમસ્ત આયોજનની દોરવણી કરી રહ્યા છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer