`મને રાષ્ટ્રપતિપદની અૉફર થઈ ન હતી, સુપ્રિયાને પ્રધાનપદની અૉફર કરાઈ હતી'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સહિયારી સરકાર સ્થાપવાની વાત કાઢી હતી પણ મેં ભાજપ સાથે સત્તા સ્થાપવાની ઇચ્છા નહીં હોવાનું સ્પષ્ટ પણે કહી દીધું હતું એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા શરદ પવારે કહ્યું છે.
શરદ પવારે ન્યૂસ ચૅનલને આપેલી મુલાકાતમાં જણવ્યું હતું કે આપણા વ્યક્તિગત સંબંધો સારા છે અને તે રહેશે. આમ છતાં સાથે કામ કરવું શક્ય નથી. મોદી સરકારે મને રાષ્ટ્રપતિપદની અૉફર કરી હોવાના અહેવાલ સાચા નથી. આમ છતાં તેઓએ મારી દીકરી સુપ્રિયા સુળેને કેન્દ્રમાં પ્રધાનપદની અૉફર કરી હતી એમ પવારે ઉમેર્યું હતું.
નહેરુ સેન્ટરમાં યોજાયેલી બેઠકમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સત્તા સ્થાપવા અંગે નહીં પણ અન્ય એક કારણસર વાદવિવાદ થયો હતો. આ ભારે વિવાદ પછી હું બેઠકમાંથી બહાર નીકળી ગયો હતો. આ બેઠક પુરી થયા પછી અજિત પવારે રાષ્ટ્રવાદીના સાથી નેતાઓને કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ અત્યારે જ આ પ્રકારે વર્તે છે તો સત્તા સ્થપાયા પછી શું થશે? ત્યાર પછી તેમણે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક સાધ્યો અને પક્ષના વિધાનમંડળના નેતા તરીકે રાષ્ટ્રવાદીના વિધાનસભ્યોની સહીઓ ધરાવતો પત્ર આપ્યો હતો. બીજા દિવસે શપથવિધિ થયા પછી સવારે મને ફોન આવ્યો હતો. મને મારી સાંસદ દીકરી સુપ્રિયા સુળેએ માહિતી આપી હતી કે અજિત પવારએ શપથ લીધા છે મને આ વાત ઉપર વિશ્વાસ બેસતો નહોતો. સપ્રિયા સુળે ખૂબ ચિઢાયેલી હતી. પછી અમે તુરંત જ ટીવી ચાલુ કર્યું હતું. તેમાં શપથવિવિધના દૃશ્યમાં અજિત પવારની સાથે દેખાતા બધાં જ મારા વિશ્વાસુ હતા. મને લાગ્યું કે તેઓ બધાંને મારું નામ આપ્યા પછી જ લઈ જવામાં આવ્યા હશે... આ બનાવ પછી મને ખાતરી થઈ હતી કે અજિત પવારે કરેલો બળવો દબાવી શકાય એમ છે. મેં તત્કાળ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો અને આ સ્થિતિ બદલાઈ શકે છે એવી ખાતરી આપી હતી. બાદમાં અમે પત્રકાર પરિષદ યોજીને અમારી ભૂમિકા સ્પષ્ટ કરી હતી. એમ પવારે ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી અને સરકાર રચવા અંગે ભાજપ અને રાષ્ટ્રવાદીની સહિયારી સરકાર બની શકે કે કેમ એ વિશે ભાજપના નેતાઓ દ્વારા પૂછપરછ થતી હતી. તે સમયે અજિત પવારે ભાજપ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી. મેં ચર્ચા કરવામાં વાંધો નથી અને તેઓ શું કહેવામાં માગે છે તે સાંભળવું જોઈએ. ત્યાર પછી અજિત પવારે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જોકે, મેં ભાજપ સાથે જવા માટે લીલીઝંડી દેખાડી નહોતી.
Published on: Tue, 03 Dec 2019