320 ઉપધાન આરાધકોને મોક્ષમાળ 3 મુનિ ભગવંતને ગણિપદ અપાયું

320 ઉપધાન આરાધકોને મોક્ષમાળ 3 મુનિ ભગવંતને ગણિપદ અપાયું
સુરતમાં 18 મુમુક્ષોએ દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી,
સુરત તા. 2 : આજરોજ વહેલી સવારે શાંતિવર્ધક જૈન સંઘનાં આંગણે અધ્યાત્મ નગરીમાં પાંચ દિવસથી ચાલતા પ્રભુ પંથોત્સવ પર્વમાં એક સાથે 18 મુમુક્ષોએ દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવ્યું હતું. આ સાથે જ ત્રિવેણી કાર્યક્રમમાં 320 ઉપધાન આરાધકોને મોક્ષમાળા પહેરાવાઈ સાથે 3 મુનિભગવંતશ્રીને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે ચાર કલાકથી જ દીક્ષા મંડપમાં લોકો દીક્ષા મહોત્સવ માણવા આવ્યા હતા. સવારે પાંચ કલાકે ગુરુ ભગવંતોના પ્રવેશ સાથે દીક્ષા વિધી શરૂ કરવામાં આવી હતી. દીક્ષાર્થીઓને ગુરુ ભગવંતોએ ઓઘો અર્પણ કર્યો હતો. ઓઘો મળતાં જ દીક્ષાર્થીઆને જાણે સમગ્ર સૃષ્ટિનું સુખ હાથમાં આવી ગયું હોય તે રીતે નાચવા લાગ્યાં હતાં. 12 વર્ષની સૌથી નાની વયનાં બાલ દીક્ષાર્થીને પ્રથમ ઓઘો અર્પણ કરાયો હતો. ઉપસ્થિત જનમેદની ઓઘો વિધિ નિહાળી ઝૂમી ઊઠી હતી. 
દીક્ષાર્થીઓ જ્યારે વેશ પરિવર્તન કરીને પધાર્યા ત્યારે દીક્ષા ઉત્સવને માણી રહેલાં હજારો ધર્મપ્રેમીઓની આંખો દીક્ષાર્થીઓ પર સ્થિર થઈ હતી. મંડપમાંથી દીક્ષાર્થે અમર રહો નો નારો ગૂંજ્યો હતો. દીક્ષા વિધિ બાદ ત્રણ મુનિભગવંતને ગણિપદ પ્રદાન  કરવામાં આવ્યું હતું.  સવારે 11 વાગ્યે મોક્ષમાળારોપણ કાર્યક્રમ શરૂ થયો હતો.  અજબ ધૂન ઉપધાનની લાગી રે..ના સંગીતમય સફરમાં ઉપધાન તપના 320 આરધકોને  મોક્ષમાળા પહેરાવાઇ  હતી. એ સમયે પણ  આખો મંડપ હરખના હિલોળે ચઢયો હોય એવો માહોલ  જોવા મળતો  હતો. 
આજે સમસ્ત સુરત શ્રી સંઘની નવકારશી અને સ્વામીવાત્સલ્ય હતું. 25,000 જેટલા લોકો દીક્ષા અવસરના સાક્ષી બન્યા હતા.  તો એટલા જ લોકોએ સાધર્મિક ભકિતનો લાભ લીધો હતો. નવકારશી અને સ્વામીવાત્સલ્યમાં સૌને પ્રેમથી બેસાડીને કરાવવામાં  આવ્યું હતું. પ.પૂ.આ.ભ.શ્રી. સોમસુંદરસૂરીશ્વરજી મ, પ.પૂ.આ.ભ. શ્રી.જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પ.પૂ.આ.ભ.શ્રી. શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ, દીક્ષાધર્મનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી,  પ.પૂ. આ.ભ.શ્રી ધર્મદર્શનસૂરીશ્વરજી મહરાજા,  પ. પૂ. આ.ભ.શ્રી પુણ્યસુંદરસૂરીશ્વરજી તેમજ આદિ સુરીરામ તથા સુરશાંતિ સમુદાયના 400 થી વધુ શ્રમણ, શ્રમણી ભગંવતોની પાવન નિશ્રામાં આ સમગ્ર પ્રભુ પંથોત્સવ  ત્રિવેણી  મહોત્સવ  સપન્ન થયો હતો.  
એક જ દિવસે દીક્ષા હોય અને સાથે માળ હોય એવો આ પહેલો પ્રસંગ હતો.  પાછલાં પાંચ વર્ષમાં લગભગ 170 જેટલી દીક્ષા આપનાર પૂ. આચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. યોગતિલકસૂરીજી સાચા અર્થમાં દીક્ષાધર્મના મહાનાયક પૂરવાર થઇ રહ્યા છે. 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer