સ્કૂલ-કૉલેજોમાં લગ્ન સમારંભ યોજવા અગાઉ બેવાર વિચારજો

સ્કૂલ-કૉલેજોમાં લગ્ન સમારંભ યોજવા અગાઉ બેવાર વિચારજો
બોરીવલીમાં આદિત્ય કૉલેજના પ્રાંગણમાં બાંધવામાં આવેલા મંડપને પાલિકાએ ઉધવસ્ત કર્યો
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈ મહાપાલિકાએ હવે લગ્ન જેવા પ્રસંગો માટે શાળા-કૉલેજનું મેદાન ભાડે આપવા સામે પગલાં લેવાની શરૂઆત કરી છે આર મધ્યના 17 નંબરના વોર્ડનાં નગરસેવિકા સંધ્યા વિપુલ દોશીની ફરિયાદને પગલે મુંબઈ પાલિકાએ રામ નગરના આર.એમ. ભટ્ટડ રોડ પરની આદિત્ય મૅનેજમેન્ટ કૉલેજ વિરુદ્ધ પગલાં લીધા હતા.
સંધ્યા દોશીએ કહ્યું હતું કે આદિત્ય મૅનેજમેન્ટ સ્કૂલે વડી અદાલતના હુકમથી વિપરીત પોતાનું ગ્રાઉન્ડ લગ્ન પ્રસંગ માટે ભાડે આપ્યું હતું. વડી અદાલતે 2012ની રીટ પિટિશન નંબર 2568માં સ્પષ્ટ હુકમ આપ્યો છે કે ખુલ્લે/ મનોરંજન/ સુવિધા/ જગ્યા છત વિનાની એટલે કે આકાશ દેખાય એવી હોવી જોઇએ હુકમમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ જગ્યા પર બીજા બાંધકામ ન થવા જોઇએ. એનું વિભાજન સ્પષ્ટ હોવું જોઇએ. તથા એને કાયમી વાણિજ્ય ક્ષેત્રમાં રૂપાંતરીત કરી શકાય નહીં વડી અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે આ મેદાનમાં ઉપયોગ સ્કૂલ/કૉલેજનો સાંસ્કૃતિક પ્રવૃત્તિ સિવાય બીજા હેતુઓ માટે ન કરવો જોઇએ. આદિત્ય મૅનેજમેન્ટ કૉલેજ આજે સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે પરવાનગી લીધી હતી, પરંતુ હકીકતમાં આ પરવાનગી લગ્ન પ્રસંગ માટે હતી. આથી મારી ફરિયાદને પગલે કાર્યવાહી બોર્ડ અૉફિસર નિવૃત્તી ગોંધળીએ, ફાયર અને હેલ્થ અૉફિસર સાથે મુલાકાત લીધી હતી. ત્યાંથી 15 સિલિન્ડર પણ જપ્ત કરાયા હતા. મેદાન પરનો શેડ દૂર કરવાનો આદેશ અપાયો છે. કેમ્પસમાં કાયમી સ્ટેજ ઊભો કરાયો હતો અને જગ્યાનો ઉપયોગ બૅન્કવેટ હૉલ તરીકે થતો હતો.
સંસ્થા દોશીએ વધુમાં કહ્યું હતું કે લગ્નસરા ચાલુ છે ત્યારે કૉલેજ મૅનેજમેન્ટ ખુલ્લા મેદાન લગ્ન અને બીજા પ્રસંગો 
માટે ભાડે આપતા હોય છે. જે કાયદાથી વિપરીત છે. આટલા મોટા પ્રમાણમાં સિલિન્ડર પકડાયા એ જ સિદ્ધ કરે છે કે આવા આયોજનને લીધે સ્ટુડન્ટ્સ સાથેની સુરક્ષા જોખમમાં મુકાય છે.
આર/સેન્ટ્રલના કાર્યવાહક વોર્ડ અૉફિસર નિવૃત્તિ ગોંધળીએ આ સંવાદદાતાને કહ્યું હતું કે અમને નગરસેવિકાની ફરિયાદ મળતા અમે ફાયર અૉફિસર તથા મેડિકલ અૉફિસર સાથે કૉલેજના કૅમ્પસની મુલાકાત લીધી હતી. સિલિન્ડર વગેરે જપ્ત કરીને જરૂરી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્કૂલ અને કૉલેજોમાં લગ્ન જેવા પ્રસંગોનું આયોજન ન કરી શકાય. અમને ફરિયાદ મળશે તો અમે બીજી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરીશું.
દરમિયાન આદિત્ય મૅનેજમેન્ટ કૉલેજના ટ્રસ્ટી અને સંચાલકનો સંપર્ક કરવાનો આ સંવાદદાતાએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડયો ન હોતો.
 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer