લગ્નવિધિનું મહત્ત્વ સમજાવવાં કચ્છી મહિલાઓ યોજે છે `લગ્નોત્સવ''

લગ્નવિધિનું મહત્ત્વ સમજાવવાં કચ્છી મહિલાઓ યોજે છે `લગ્નોત્સવ''
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 2 : લગ્ન એટલે બે હૈયાંનું મિલન. બે સિતારાના મિલન માટે લગ્ન સમારોહ યોજાય છે, જેમાં સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ સાથે વિધિ થાય છે આ વિધિનાં દરેક પાસાં પાછળ કોઈને કોઈ સંદેશ છે. આ વિધિ ટૂંકાવી દેવા ગોર મહારાજ પર દબાણ કરાય છે. મતલબ, વિધિનું મહત્વ ઘટતું જાય છે. પરંતુ નાના પાયે પણ એક ગામના મહિલા મંડળે વિસરાતી જતી લગ્નવિધિને લોકો સુધી પહોંચાડવા સરાહનીય પ્રયાસ કર્યો છે.
આ સંસ્થા છે રાયધણજર વહુ દીકરી મંડળ, જેના 90 સભ્ય છે. મંડળમાં કોઈને હોદ્દો નથી.  બધા સમાન સભ્યો છે. કચ્છના આ ગામમાં માંડ 60-70 જૈન પરિવાર છે. પરંતુ મંડળમાં શિક્ષિત અને યુવા બહેનો છે. જે ઉત્સાહી છે અને કંઈને કંઈ નવી પ્રવૃત્તિ કરે છે. કંઈક નોખું કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ, કમિટીની બહેનોએ સાથે બેસીને નવો વિચાર મૂક્યો તેમાંથી લગ્નવિધિ મંચ પર ભજવવાનું નક્કી થયું. આ લગ્ન સમારોહમાં બધાં પાત્રો બહેનોએ ભજવ્યાં હતાં.
લગ્ન સમારોહમાં વિધિનું મહત્ત્વ છે, તેના થોડા દાખલા લઈએ જેમકે, વરકન્યાના હસ્તમેળાપમાં સૂતરના દોરાથી બંનેના હાથ બાંધવામાં આવ્યા છે. જેનો સંદેશ એ છે કે તાંતણો નાજુક છે, તેમ સંબંધો નાજુક છે, છતાં ખૂબ મજબૂત છે. સગાઈ વખતે વરપક્ષવાળા કન્યાવાળાને ચાંદીનો રૂપિયો આપે છે. શુકનમાં હંમેશાં ચાંદી વપરાય છે. લગ્નવિધિ પત્યા પછી કન્યાવાળા એ ચાંદીનો રૂપિયો પાછો આપે છે. અમારી દીકરી ચાંદી જેટલી જ પવિત્ર અને સરળ છે. કન્યાદાન કરતી વખતે પિતા માત્ર દીકરી નહિ એક સંસ્કૃતિનું દાન આપે છે.
આ માહિતી આપતાં મંડળનાં માધુરી ગડાએ જણાવ્યું હતું કે, ભુલાતી જતી લગ્ન વિધિ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ લગ્નોત્સવમાં કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન દાદા, નાની, કાકી, ફઈ, માસી, ભાભી, નણંદ, સખી ઉપરાંત વરરાજા, વરપિતા, કાકા, મામા, ભાઈનાં પાત્રો બહેનોએ ભજવ્યાં હતાં. 12-12 જણની ત્રણ ટીમે ભાગ લીધો હતો. ગ્રુપદીઠ ઈનામો અપાયાં હતાં.
વ્યસ્ત જીવનમાં નણંદ-ભાભીઓએ સાથે બેસીને કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમમાં એક પણ વસ્તુ રેડીમેડ વપરાઈ ન હતી. બધી જ ચીજ હાથે બનાવાઈ હતી. ભાગ લેનાર 36-36 બહેનોએ એકબીજાંના સંપર્કમાં રહીને ઉત્સવની તૈયારી કરી હતી.
રિસામણાં-મનામણાં થયાં. વેવાઈને ફટાણા અપાયા. ત્રણેય ગ્રુપના મહારાજે વિધિ કરાવી હતી. અણવર અને વરરાજાની જુગલબંધી હતી. કન્યાને એની ભાભીએ શીખ આપી હતી. ચીંચપોકલી કવીઓ મહાજનવાડીમાં લગ્નપ્રસંગનો મેળાવડો ખરેખર જામ્યો હતો. જાનનું સ્વાગત, ઘડીનું શુકન, વેવાઈનો મેળાપ, સાસુનાં પોંખણા, ચાર ફેરાની વિધિ, ખીર-વધાઈ, છેલ્લે વિદાય સુધીની રીતો ક્યાંક મોર્ડન તો ક્યાંક પરંપરાગત રીતે દર્શાવાઈ હતી.
નીયાણી ગ્રુપની બહેનોએ ટ્રેન રચીને એન્ટ્રી કરી હતી. જજ બહેનોએ ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો હતો. પ્રથમ ઈનામ મૂંજી મિઠડીજા વીયા ગ્રુપને મળ્યું હતું તો બીજું ઈનામ માયરા ગ્રુપને અને ત્રીજું ઈનામ નીયાણી ગ્રુપને ફાળે ગયું હતું. ચાર કલાક આ કાર્યક્રમ ચાલ્યો હતો. ત્રણેય ગ્રુપને ઈનામો ઝવેરબેન લખમશી ગડા પરિવાર તરફથી અપાયાં હતાં, કવીઝ કૉન્ટેસ્ટમાં ભાગ લેનાર બહેનોનું બહુમાન કરાયું હતું. મીતા નીતિન ખુથયા (તુંબડી) અને હેમા યોગેશ ગડાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. મહિલા મંડળના કમિટી મેમ્બરોમાં સોનલ ગડા, હેતલ ગડા, સરોજ ગડા, ફાલ્ગુની ગડા, રીટા ગડા અને જયશ્રી ગડાએ મંડળની સભ્ય બહેનો માટે આ આયોજન  કર્યું હતું.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer