બળાત્કારીઓનાં લિન્ચિંગથી લઈને વંધ્યીકરણ સુધીની માગણી

બળાત્કારીઓનાં લિન્ચિંગથી લઈને વંધ્યીકરણ સુધીની માગણી
હૈદરાબાદની ઘટના સામે દેશનાં આક્રોશનો સંસદમાં પડઘો: સરકારે કહ્યું, સંસદ એકમત થાય તો કાયદો વધુ તીક્ષ્ણ બનાવવા તૈયારી
અમારા પ્રતિનિધિ તરફથી
નવીદિલ્હી, તા.2: હૈદરાબાદમાં બળાત્કારની ઘટનાએ ફરી એકવાર દેશમાં રોષનો જ્વાળામુખી ચેતવી દીધો છે અને આજે તેની ગુંજ સંસદમાં પણ પડઘાઈ હતી. રાજ્યસભામાં વિભિન્ન પક્ષનાં સાંસદોએ બળાત્કારીઓ માટે મૃત્યુદંડથી માંડીને જાહેરમાં લિન્ચિંગ કે વંધ્યીકરણ જેવી સજાની આકરી જોગવાઈઓ કરવાની માગણી ઉઠાવી હતી. તો લોકસભામાં પણ દેશમાં ઘટેલી બળાત્કારની ઘટનાઓને લઈને ઉગ્રતાથી ગુસ્સો ઠાલવ્યો હતો. તો સરકારે સંસદ એકમત બને તો કાયદો વધુ કઠોર બનાવવાની તૈયારી દેખાડીને ઉકળાટને વાચા આપી હતી. 
રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુએ ગૃહમોકૂફીની દરખાસ્ત નકારીને સદસ્યોને હૈદરાબાદની ઘટના વિશે ટૂંકા નિવેદન કરવાની પરવાનગી આપી હતી. જેમાં પક્ષાપક્ષી બાજુએ રાખીને તમામ પક્ષનાં સભ્યોએ નિર્ધારિત સમયમર્યાદામાં અપરાધીઓને કઠોરતમ સજાનો આગ્રહ રાખ્યો હતો. નાયડુએ હૈદરાબાદની ઘટનાને માનવતા ઉપર કલંક સમાન ગણાવી હતી અને વિપક્ષી નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, સમાજે આ સમસ્યાનાં મૂળ સુધી જવું જ પડશે. 
સપાનાં સાંસદ જયા બચ્ચન આજે ઉકળી ઉઠયા હતાં અને તેમણે જે વિસ્તારમાં ઘટના બની ત્યાનાં સુરક્ષાકર્મીને જવાબદાર ઠરાવીને તેની સામે પણ સવાલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આટલું જ નહીં પણ તેમણે તો બળાત્કારીનું જાહેરમાં લિન્ચિંગ કરવાની માગ પણ ઉઠાવી હતી. તો બીજીબાજુ ડીએમકેનાં પી.વિલ્સને શત્ર કે રાસાયણિક ક્રિયાથી આવા ગુનેગારોનાં વંધ્યીકરણ થવા જોઈએ તેવું કહીને પોતાની ઉગ્રતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસનાં મહંમદ અલી ખાને આવા કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવવા કહ્યું હતું અને આવી કોઈપણ ઘટનાને સાંપ્રદાયિક રંગ નહીં આપવાનો આગ્રહ રાખ્યો હતો. બીજેડીનાં અમર પટનાઈકે પણ બળાત્કારીઓ માટે મૃત્યુદંડ જ ઉચિત ગણાવ્યો હતો. 
રાજ્યસભાની જેમ જ લોકસભામાં પણ તમામ પક્ષનાં સાંસદોએ બળાત્કારનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજદનાં મનોજકુમાર જ્હાએ બળાત્કારનાં કિસ્સાઓ ઘટાડવા માટેની વ્યવસ્થાને અપૂરતી ગણાવી હતી. તો ભાજપનાં આર.કે.સિંહાએ કહ્યું હતું કે દિલ્હીનાં 2012નાં બળાત્કારકાંડનાં ગુનેગારને પણ હજી ફાંસી મળી શકી નથી. અન્નાદ્રમુકનાં વિજીલા સત્યનાથે કહ્યું હતું કે, ડ્રગ્સ અને નશાકારક પદાર્થો આવી ઘટનાનાં કારણ બનતા હોય છે. તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ થવું જ ઘટે. આ દરમિયાન વિભિન્ન પક્ષનાં સાંસદો દ્વારા દેશનાં અન્ય ભાગોમાં બનેલી આવી નિર્ઘૃણ ઘટનાઓનાં ઉલ્લેખ કરીને ગુસ્સો ઠાલવવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, સદન જો કોઈ બાબતે એકમત બને તો સરકાર આવા અમાનવી દુષ્કૃત્યો સામે સખતમાં સખત કાયદો બનાવવા માટે તૈયાર છે. આખો દેશ આ ઘટનાથી આઘાત પામ્યો છે. બધા જ પક્ષો આ ઘટનાને વખોડે છે. નિર્ભયાની ઘટના પછી સંસદે કાયદો કડક બનાવ્યો છે પણ તેનાથી આવી ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. સરકારને આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં કોઈ જ વાંધો નથી.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer