નવા રોકાણોને આકર્ષવા કોર્પોરેટ ટૅક્સમાં કાપ : નિર્મલા સીતારામન

નવા રોકાણોને આકર્ષવા કોર્પોરેટ ટૅક્સમાં કાપ : નિર્મલા સીતારામન
ચોક્કસ કંપનીઓના લાભાર્થે નિર્ણય લેવાયો હોવાનું નકાર્યું : લોકસભામાં કરવેરા સુધારા ખરડો પસાર
નવી દિલ્હી, તા. 2 (પીટીઆઈ) : નવા મૂડીરોકાણને આકર્ષવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે કોર્પોરેટ ટૅકસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એમ જણાવીને કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઉમેર્યું હતું કે કેટલીક દેશી અને વિદેશી કંપનીઓએ મૂડીરોકાણ કરવામાં રસ દેખાડતા `શુભસંકેતો' મળ્યા છે.
દેશમાં વિકાસ મંદ પડવાની ચિંતા વચ્ચે સીતારામને ખાતરી આપી છે કે અર્થતંત્રના પડકારોને હલ કરવા સરકાર પ્રો-એક્ટિવ છે. કરવેરાના દરમાં ઘટાડો કેટલીક કંપનીઓને નહીં પણ સમગ્ર ઉદ્યોગને લાભ મળે એ રીતે કરવામાં આવ્યો છે.
લોકસભામાં કોર્પોરેટ ટેક્સમાં કાપ અંગે ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીના નિવેદન ઉપર નાણામંત્રી નિર્મલા સીતારમણે આકરો જવાબ આપ્યો છે અને અર્થવ્યવસ્થા ઉપર સરકારના વલણનો બચાવ પણ કર્યો હતો. નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, તેઓ આલોચનાથી ડરીને પીછેહઠ કરશે નહી અને જે કોર્પોરેટ ટેક્સના નિર્ણય ઉપર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે તે ટ્રેડ વોરનો ફાયદો ઉઠાવવા અને નવા રોકાણને આકર્ષિત કરવા માટે લેવામાં આવ્યો છે. લાંબી ચર્ચા બાદ લોકસભામાં કરવેરા સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની વ્યવસ્થા કરે છે. 
ચર્ચા દરમિયાન કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આજે ખેડૂતો માટે મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે બાલીમાં ડબલ્યુટીઓ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી ક્યાં હતી ? જો વડાપ્રધાન પીસ ક્લોઝ ન લાવ્યા હોત તો ખેડૂતોને એમએસપી મળતી ન હોત અને જનવિતરણ પ્રણાલી હેઠળ અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ પણ શક્ય નહોતું. સીતારમણે ઉમેર્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તમામ સવાલ અને ટીકાને સાંભળે છે. જ્યારે પણ સદનમાં પીએમ, નાણામંત્રી કે રક્ષામંત્રીને સવાલ પુછવામાં આવ્યો છે ત્યારે સદનમાં હાજર રહીને જવાબ આપવામાં આવ્યો છે.
અમારી યોજનાઓ કોઈ જીજા કે જમાઈ માટે નથી
દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નામ લીધા વિના પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વડરા અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. લોકસભામાં આજે સરકારી યોજનાઓ વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, અમારી યોજનાઓનો લાભ આમઆદમીને મળી રહ્યો છે. એ કોઈ જીજા કે જમાઈ માટે નથી. જ્યારે કોંગ્રેસે આ ટિપ્પણી ઉપર હોબાળો સર્જ્યો ત્યારે તેમણે આગળ કહ્યું હતું કે, અમારા પક્ષમાં પણ કોઈ જીજા નથી. બધા કાર્યકરો જ છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer