અયોધ્યા કેસ : એડ્વોકેટ રાજીવ ધવનને હટાવાયા

અયોધ્યા, તા. 3 : અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષ વતી ઉપસ્થિત રહેલા એડ્વોકેટ રાજીવ ધવનને આ કેસમાંથી હટાવાયા છે. રાજીવ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ અંગે જાણકારી આપી હતી. રાજીવ ધવનના કહેવા મુજબ, અરશદ મદનીએ સંકેત આપ્યા હતા કે મારી ખરાબ તબિયતને કારણે હટાવાયા છે, પણ આ પૂર્ણપણે બકવાસ છે.
એડ્વોકેટ રાજીવ ધવન અયોધ્યા મામલામાં સુન્ની વક્ફ બોર્ડ તથા અન્ય મુસ્લિમ પાર્ટી વતી ઉપસ્થિત રહ્યા હતા. હવે રાજીવ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું છે, જમિયતનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ એજાજ મકબુલ (ઓન રેકોર્ડ) દ્વારા મને બાબરી મસ્જિદ કેસમાંથી હટાવાયો છે. મે કોઈ આપત્તિ દર્શાવ્યા વિના આ કાર્યવાહી સ્વીકારવાનો પત્ર 
મોકલી આપ્યો છે.
રાજીવ ધવને તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, મને જાણવા મળ્યું છે કે અરશદ મદનીએ મને ખરાબ તબિયતને કારણે હટાવાયો હોવાનો સંકેત આપ્યો છે. આ વાત પૂર્ણપણે બકવાસ છે.
તેમને અધિકાર છે તેમના વકીલ એજાજ મકબુલને આદેશ આપી મને હટાવી દે તેમણે એ જ કર્યું છે, પરંતુ એની પાછળ અપાતું કારણ દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું છે.
આ અંગે એડ્વોકેટ એજાજ મકબુલે કહ્યું કે, મુદ્દો એ છે કે મારા અસીલ એટલે કે જમિયત સોમવારે પિટિશન દાખલ કરવા માગતા હતા. આ કામ રાજીવ ધવને કરવાનું હતું, પણ તેઓ ઉપલબ્ધ ન હોવાથી પિટિશનમાં તેમનું નામ આપી ન શક્યો આ કોઈ મોટી વાત નથી.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer