ગુજરાતની કંપનીને અપાયેલો અશ્વમેળાનો કોન્ટ્રાક્ટ મહારાષ્ટ્ર સરકારે રદ્ કર્યો

મુંબઈ, તા. 3 : ભાજપ-શિવસેના સરકારે લીધેલા નિર્ણયને ફેરવી તોળવાનો નોંધપાત્ર નિર્ણય મહાવિકાસ આઘાડી સરકારે લીધો છે. રાજ્ય સરકારે ગુજરાત સ્થિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ઇન્ટરનેશનલ હોર્સફેરના આયોજન માટે અપાયેલો 321 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ગંભીર નાણાકીય ગેરરીતિના કારણોસર સ્કેનર હેઠળ આવ્યો છે.
26 ડિસેમ્બર, 2017ના રાજ્ય સરકાર સંચાલિત મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એમટીડીસી) લિમિટેડે અમદાવાદસ્થિત લલ્લુજી ઍન્ડ સન્સ સાથે નંદુરબાર ખાતે સારંગખેડા ચેતક ફૅસ્ટિવલની પરિકલ્પના, ડિઝાઇન અમલમાં મૂકવાની સાથે સમગ્ર ઇવેન્ટના મેનેજમેન્ટ માટે કરાર કરાયો હતો. કંપની અગાઉ કુંભ મેળા અને રણ ઉત્સવ સાથે સંકળાયેલી હતી.
પણ આ વરસે 28 નવેમ્બરના નવી શિવસેના - એનસીપી - કૉંગ્રેસની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારે શપથ લીધા બાદ ચીફ સેક્રેટરી અજોય મહેતાએ કોન્ટ્રાક્ટ તુરંત રદ્ કરવાના આદેશ બાદ રાજ્યના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે કોન્ટ્રાક્ટ રદ્ કર્યો હતો.
એગ્રીમેન્ટ અને એક્પ્રેશન અૉફ ઇન્ટરેસ્ટ સરકારની પરવાનગી વગર કરવામાં  આવ્યા હતા.
એટલું જ નહીં એ કેન્દ્રના નિયમો મુજબ પણ ન હોવાથી એમાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું ટૂરિઝમના ડિપાર્ટમેન્ટના ઉપસચિવ એસ. લંભાતેએ જણાવ્યું હતું.
દેશના સૌથી જૂના હોર્સફેરમાંના એક હોવાનું કહેવાતા આ મેળાનું આયોજન દર વરસે ડિસેમ્બરમાં થાય છે અને એની સાથે એમટીડીસી પણ સંકળાયેલું છે. 2016થી એને આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજ્જો અપાયો છે.
 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer