બાળાસાહેબનું સ્ટેચ્યૂ 23 જાન્યુઆરી સુધીમાં મુકાય એવી શક્યતા

મુંબઈ, તા. 3 : શિવસેના સુપ્રીમો સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના નવ ફૂટ ઊંચા પૂતળાને દક્ષિણ મુંબઈમાં મૂકવા અંગેનો ચાર વરસ જૂનો પ્રસ્તાવ ટૂંક સમયમાં મંજૂર થાય એવી શક્યતા છે. શિવસેનાની સરકાર બન્યા બાદ પક્ષના સ્થાપક બાળાસાહેબના 94મા જન્મદિન - 23 જાન્યુઆરી 2020 સુધીમાં સ્ટેચ્યૂ સ્થાપિત કરવા આતુર છે.
મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ હેડક્વાર્ટરની સામે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ચોકના ત્રિકોણીય આઈલૅન્ડ ખાતે પૂતળું મૂકવા અંગે વિચારણા થઈ રહી છે.
આ વિસ્તાર છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયનો હિસ્સો છે અને રીગલ સિનેમાની સામે ગ્રેડ વન ફાઉન્ટનની નજદીક હોવાથી એમએચસીસીની પરવાનગી લેવી ફરજિયાત છે. ટ્રાફિક આઈલૅન્ડમાં 11 ફૂટ ઊંચા ચોરસ પોડિયમ પર સ્ટેચ્યૂ મુકાવાની યોજના છે.
પાયાની ફરતે ચમકદાર પથ્થરની સાથે છ મીટર પહોળો ફૂટપાથ રહેશે.
પાલિકાના અધિકારીનું કહેવું છે કે સ્ટેચ્યૂ માટે મુંબઈ અર્બન આર્ટ્સ કમિશનની પણ પરવાનગી લેવી પડશે જે જાહેર સ્થળે મુકાયેલી કલાકૃતિની જાળવણીનું કામ કરે છે. એમયુએસીએ લીલી ઝંડી આપવી જોઈએ, કારણ બાળાસાહેબ જેવા દેખાતા હતા એવું જ સ્ટેચ્યૂ દેખાવું જોઈએ. નિષ્ણાતોની પેનલ જરૂરી  ફેરફાર સૂચવી શકે છે એમ સૂત્રએ જણાવ્યું હતું.
 

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer