દાઉદના બંગલા સહિત અન્ય મિલકતો પર હથોડા ઝિંકાશે

દાઉદના બંગલા સહિત અન્ય મિલકતો પર હથોડા ઝિંકાશે
મુંબઈ, તા. 3 : અંડરવર્લ્ડના ડૉન દાઉદ ઇબ્રાહિમ કાસ્કર મહારાષ્ટ્રમાં રત્નાગીરીમાં પોતાના ઘર ઉપરાંત 13 મિલકતો ધરાવે છે જેના પર સ્મગલર્સ ઍન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનીપ્યુલેટસ ઍક્ટ (એસએએફઈએમએ) હેઠળ હથોડા પડશે એમ જાણવા મળ્યું છે.
ફાઈનાન્સ મિનિસ્ટ્રી અૉફિસ અૉફ કોમ્પીનન્ટ અૉથોરિટી તેની મિલકતોની કિંમતની આંકણી કરી રહી છે જેમાં દાઉદ પોતે જન્મ્યો હતો તે એ કાળનો બંગલો, જમીનોના 11 ટુકડા અને પેટ્રોલ પમ્પ રહ્યા છે. આ બધા રત્નાગીરીના ખેડ તાલુકામાં મુમકા ખાતે આવેલ છે. આ પ્રૉપર્ટીઝનો કુલ એરિયા 10 એકરથી વધુ રહ્યાનું ગણાય છે.
આ પ્રૉપર્ટીઝની કિંમતની ગણતરી કરાઈ રહી છે અને જાન્યુઆરીમાં આ પ્રૉપર્ટીઝ લિલામમાં મુકાશે, એમ એસએએફઈએમએના વધારાના કમિશનર આર. એન. ડિ'સોઝાએ જણાવ્યું હતું.
આ મિલકતોમાં કેટલીક દાઉદના પરિવારની માલિકીની છે જે એસએએફઈએમએ દ્વારા 1998માં જપ્ત કરાઈ હતી. જોકે, દાઉદના પરિવારે આ જપ્તીની પ્રક્રિયાને કાયદાકીય રીતે પડકારી હતી. 2018માં સુપ્રીમ કોર્ટે દાઉદની માતા અમીનાબાઈ કાસ્કર અને બહેન હસીના પારકરે આ જપ્તી સામે કરેલી અપીલ કાઢી નાખી હતી અને એસએએફઈએમએ હાથ ધરેલી જપ્તી અને તેના લિલામની પ્રક્રિયા માટે લીલી ઝંડી દાખવી હતી.
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દાઉદ આ પ્રૉપર્ટીઝ જાહેર નહીં કરેલી બેનંબરી આવક થકી હસ્તગત કરી હતી. આ અંડરવર્લ્ડ ડૉન વૈશ્વિક સ્તરે પણ ગામવાસી તરીકે ઓળખાય છે અને મર્ડર, જોરજુલમથી, ડ્રગની હેરફેર અને ત્રાસવાદ હેઠળના ઘણાંએ ગુના માટે `વૉન્ટેડ' ગણાય છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer