ફડણવીસ સરકારની તમામ યોજનાઓનાં પેમેન્ટને લાગી બ્રેક

ફડણવીસ સરકારની તમામ યોજનાઓનાં પેમેન્ટને લાગી બ્રેક
મુંબઈ, તા. 3 : છેલ્લા છ મહિના દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ સરકારે મંજૂર કરેલા તમામ પ્રસ્તાવો/ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનો આદેશ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. તેઓ માત્ર સમીક્ષાથી જ અટક્યા નથી. તેમણે બ્યૂરોક્રેટ્સને સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી મહાવિકાસ આઘાડી સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી કોઈ પણ પ્રોજેક્ટ માટે નાણાં ચૂકવવા નહીં.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર એવા જ  પ્રોજેક્ટ માટે નાણાં ચૂકવાશે જે સો ટકા પૂરા થયા હોય. આના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીના પરિણામો બાદ ફડણવીસ અને ભાજપની ટોચની નેતાગીરી સાથે સરકારની રચના અંગે થયેલા ઘર્ષણ બાદ ફડણવીસ સરકારની નીતિ અંગે ફેરવિચારણા કરવામાં ઉદ્ધવ ઠાકરે જરાય ખચકાટ અનુભવતા નથી. મુખ્ય પ્રધાનપદનો હોદ્દો સ્વીકાર્યા બાદ તુરંત આરે કૉલોની ખાતેના મેટ્રો કારશેડ પ્રોજેક્ટ ફેર સમીક્ષા માટે રોકવામાં આવ્યો છે.
સોમવારે હજુ મહાવિકાસ આઘાડીની સરકારે માંડ છ દિવસ  પૂરા કર્યા એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા મુંબઈ - અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અગ્રતા ક્રમથી હટાવી દેવાયો છે.
રાજ્યના ઉચ્ચ અધિકારીઓના સૂત્રએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત જે પ્રોજેક્ટ સ્કેનર હેઠળ છે એમાં અંદાજિત 46,000 કરોડ રૂપિયાનો મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કૉરિડોર, 12 હજાર કરોડ રૂપિયાનો દક્ષિણ મુંબઈને 
પશ્ચિમનાં પરાં સાથે જોડતો કૉસ્ટલ રોડ પ્રોજેક્ટ, 7000 કરોડ રૂપિયાનો વર્સોવા-બાંદરા સી-લિન્ક અને 800 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનનારા થાણે ખાડી પરના ત્રીજા પુલનો સમાવેશ થાય છે.
ઉપરાંત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ચાલી રહેલા 6 કિ.મી.ના મિસિંગ લિન્ક પ્રોજેક્ટની પણ સમીક્ષા કરાશે એમ સૂત્રએ જણાવ્યું હતું.
પ્રોજેક્ટની સમીક્ષા કરવા પાછળનો ઉદ્દેશ કૉન્ટ્રાક્ટ આપતી વખતે પારદર્શિતા જાળવવામાં આવી છે કે નહીં. રાજ્યના તમામ ડિપાર્ટમેન્ટને તેઓ જે પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા હોય તેની સંપૂર્ણ વિગત મુખ્ય પ્રધાન કાર્યાલયને આપવા જણાવાયું છે. સ્વાભાવિક છે કે મોટા કૉન્ટ્રાક્ટર્સ પણ  સ્કેનર હેઠળ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer