આઇપીએલ-12ના અૉકશન માટે 332 ક્રિકેટર શોર્ટલિસ્ટ

આઇપીએલ-12ના અૉકશન માટે 332 ક્રિકેટર શોર્ટલિસ્ટ
73 સ્થાન માટે 186 ભારતીય અને 143 વિદેશી ખેલાડીઓ વચ્ચે 19મીએ બોલી લાગશે
નવી દિલ્હી, તા.13: આઇપીએલની 12મી સિઝનની હરરાજી માટે 332 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ કરાયા છે. આઇપીએલની હરરાજી આ વખતે 19 ડિસેમ્બરે કોલકતા ખાતે યોજાઇ છે. ત્યારે લીગની તમામ આઠ ફ્રેંચાઇઝી ટીમમાં બચેલા સ્થાન માટે ખેલાડીઓની બોલી લગાવશે. દુનિયાની આ સૌથી મોંઘી ક્રિકેટ લીગમાં એન્ટ્રી કરવા માટે આ વખતે 997 ક્રિકેટરોએ તેમના નામ રજીસ્ટર કરાવ્યા હતા.જેમાંથી 332 ક્રિકેટર શોર્ટલિસ્ટ કરાયા છે. આ વખતે હરરાજીમાં કુલ 73 જગ્યા ભરવાની છે.
 આ વખતની હરરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. જેમાં 7 વિદેશી ખેલાડી સામેલ છે. આ જૂથમાં પેટ કમિન્સ, જોસ હેઝલવૂડ, ક્રિસ લિન, મિશેલ માર્શ, ગ્લેન મેકસવેલ, ડેલ સ્ટેન અને એન્જેલો મેથ્યૂસ છે. આ જૂથમાં એક પણ ભારતીય ખેલાડીને સ્થાન મળ્યું નથી.
આઇપીએલના ઓકશનમાં રિઝર્વ પ્રાઇઝ અંતર્ગત સૌથી મોંધા સ્લેબમાં કોઇ ભારતીય ખેલાડીની વાત કરીએ તો રોબિન ઉથપ્પાનું નામ છે. દોઢ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. રોબિન બાદ ભારતીય ખેલાડીઓમાં પીયૂષ ચાવલા, યુસુફ પઠાણ અને જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા છે. 
કોલકતામાં 19 ડિસેમ્બરે યોજાનાર આઇપીએલના ઓકશનનો પ્રારંભ બપોરે 3-30 વાગ્યાથી શરૂ થશે.  આ વખતની હરરાજીમાં કુલ 186 ભારતીય ક્રિકેટર સામેલ છે. જયારે 143 વિદેશી ક્રિકેટર હશે. જેમાં 3 ખેલાડી ઓસોસિએટસ દેશના છે.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer