ડે-નાઇટ ટેસ્ટમાં કિવિઝને ભીંસમાં લેતું ઓસિ.

ડે-નાઇટ ટેસ્ટમાં કિવિઝને ભીંસમાં લેતું ઓસિ.
અૉસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 416 સામે ન્યૂ ઝીલૅન્ડના 5/109
પર્થ, તા.13 : પ્રવાસી ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના ત્રણ મેચની શ્રેણીના પહેલા ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ગૃહ ટીમ ઓસ્ટ્રેલિયાએ મજબૂત શિકંજો કસ્યો છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાથી હજુ 307 રને પાછળ છે અને પ વિકેટ જ હાથમાં રહી છે. આજે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 416 રને સમાપ્ત થયો હતો. આ પછી કિવિઝે ટીમે તેના પહેલા દાવનો નબળો પ્રારંભ કરીને 32 ઓવરની રમતમાં 109 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી.
ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી મીડલઓર્ડર બેટસમેન રોશ ટેલર એકલવીર બનીને ક્રિઝ પર ઉભો રહયો હતો.  તે 86 દડામાં 8 ચોકકાથી 66 રને નોટઆઉટ રહયો હતો. બાકીના કિવિ બેટસમેનો કાંગારૂ ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક સામે નતમસ્તક થઇ ગયા હતા. સ્ટાર્કે 31 રનમાં 4 વિકેટ લીધી હતી.
કિવિ કેપ્ટન વિલિયમ્સને 34 રન બનાવ્યા હતા. જીત રાવલ 1, ટોમ લાથમ 0, નિકોલસ 7, વેગનાર 0માં આઉટ થયા હતા.  આ પહેલા આજે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 146.2 ઓવર બાદ 416 રને સમાપ્ત થયો હતો. લાબુશેન 143 રને આઉટ થયો હતો. ટિમ હેડે 56, સુકાની ટિમ પેને 39 અને સ્ટાર્કે 30 રન કર્યાં હતા. ન્યુઝીલેન્ડ તરફથી સાઉધી અને વેગનારે 4-4 વિકેટ લીધી હતી.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer