વેપાર સંધિ નજીક દેખાતા સોનું નરમ

વેપાર સંધિ નજીક દેખાતા સોનું નરમ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 : ડૉલરના મૂલ્યમાં નરમાઇ જળવાઇ રહેવાથી સોનાનો ભાવ શુક્રવારે સામાન્ય નરમાઇ પછી મક્કમ બોલાતો હતો. ન્યૂ યોર્કમાં 1471 ડૉલર પ્રતિ ઔંસનો ભાવ રનિંગ હતો. અમેરિકા અને ચીન વેપાર સંધિમાં સહી કરવા મુદ્દે ફરીથી હકારાત્મક બન્યા છે અને નજીકના ભવિષ્યમાં આ મુદ્દાનો ઉકેલ આવી જશે તેવી અટકળોએ વેગ પકડતા શૅરબજારોમાં તેજી હતી અને સોનું-ચાંદી નરમ હતા. એક્ટિવ ટ્રેડઝના વિશ્લેષક કહે છે, પ્રથમ તબક્કાની વેપાર સંધિ હવે લગભગ પૂર્ણતાના આરે દેખાય છે એટલે આ મુદ્દે ચિંતા કરવાની જરુર નથી. અમેરિકાએ ચીનના માલસામાન ઉપર રવિવારથી લાગનારી નવી ટેરિફમાં 50 ટકાનો ઘટાડો કરવાની તૈયારી બતાવી છે. નવી ડયૂટી તા. 15થી અમલી બનવાની હતી. આમ બન્ને દેશો વચ્ચે ચિંતા હળવી થઇ છે.
બીજી તરફ બ્રિટનમાં જોન્સન વિજેતા થતા ત્રણ વર્ષથી ચાલતી રાજકીય ગતિવિધિઓ શાંત થશે અને 31 જાન્યુઆરી સુધીમાં યુરોપથી બ્રિટન અલગ થશે તે મુદ્દે સ્પષ્ટતા થઇ છે.  સોનાનો ભાવ રાજકીય ઘટનાઓને આધારે 
આજે ઘટયો હતો. ચાંદી વિચલિત ન થતા સામાન્ય સુધારે 16.92 ડૉલર હતી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 50 ઘટી રૂા. 38750 અને મુંબઈમાં રૂા. 103 ઘટીને રૂા. 37827 હતું. રાજકોટમાં ચાંદી રૂા. 150 વધીને રૂા. 44450 અને મુંબઈમાં 150 સુધરીને રૂા. 43880 હતી.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer