વૈશ્વિક ફૂલગુલાબી તેજી વચ્ચે સેન્સેક્ષ ફરી 41010ના સ્તરે

વૈશ્વિક ફૂલગુલાબી તેજી વચ્ચે સેન્સેક્ષ ફરી 41010ના સ્તરે
બૅન્કિંગ-મેટલ-વાહન શૅરમાં વધતી ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : શૅરબજારમાં એક્રોસ ધ બોર્ડ સંસ્થાકીય અને સટ્ટાકીય લેવાલી વધતી રહેવાથી સતત બીજા દિવસે આજે 115 પૉઈન્ટના ઉછાળે નિફટી 12087ની સપાટીએ બંધ આવ્યો હતો. ટ્રેડ દરમિયાન જોકે સૂચકાંક 12100ની પાર થઈ શકયો નથી, જે ઉલ્લેખનીય ગણાય. આજે મુખ્યત્વે ફાર્મા ઈન્ડેકસમાં સ્થિરતા સિવાય તમામ ઈન્ડેકસ વધ્યા હતા. બ્રિટનમાં કન્ઝરવેટિવ પક્ષે બ્રેક્ઝિટ મુદ્દે થયેલી ચૂંટણીમાં ભારે જીત મેળવવાથી વૈશ્વિક સ્તરે તમામ મુખ્ય શૅરબજારોમાં ફૂલગુલાબી તેજીનો માહોલ રચાયો હતો. જેથી સ્થાનિક શૅરબજારમાં નવા સંચારથી બીએસઈમાં સેન્સેક્ષ 428 પૉઈન્ટના સુધારા થકી પુન: 41000 વટાવીને 41010ની સપાટીએ બંધ હતો. આજે સૌથી વધુ બૅન્કિંગ અને મેટલ શૅરમાં લેવાલીથી બન્ને ઈન્ડેક્સ અનુક્રમે ચાર અને બે ટકા વધ્યા હતા. બીએસઈ સ્મોલકેપ - મિડકેપ ઈન્ડેક્સ અંદાજે 1 ટકા સુધારે રહ્યા હતા. અઠવાડિક ધોરણે બન્ને સૂચકાંક 1.5 ટકા સુધારે રહ્યા છે. બીજી તરફ ચીન-અમેરિકાના ટ્રેડ કરાર નજીકમાં થવાના અહેવાલથી બજારો સુધર્યાં હતાં.
કેન્દ્ર સરકાર એફપીઆઈની બોન્ડ ખરીદીની મર્યાદા વધારીને 10 ટકા કરવા તૈયાર હોવાના અહેવાલથી બજારમાં વિશ્વાસ વધ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આજના સુધારામાં સૌથી વધુ વધનાર શૅરમાં એક્સિસ બૅન્ક રૂા. 30, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 41, એસબીઆઈ રૂા. 11, એચડીએફસી રૂા. 36, મારુતિ રૂા. 215, ટીસીએસ રૂા. 50, ટિસ્કો અને હિન્દાલ્કો અનુક્રમે રૂા. 10 અને રૂા. 7, બજાજ ફિનસર્વ રૂા. 41, સનફાર્મા રૂા. 5, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4 ટકા અને એલઍન્ડટી રૂા. 26 વધ્યા હતા. જોકે, સુધારા સામે ઘટવામાં સૌથી વધુ ડૉ. રેડ્ડીસ રૂા. 85, કોટક બૅન્ક રૂા. 23, બજાજ અૉટો રૂા. 28, બ્રિટાનિયા રૂા. 20 અને ભારતી ઍરટેલમાં રૂા. 11નો ઘટાડો મુખ્ય હતો. નિફટીના અગ્રણી 40 શૅરમાં ભાવ સુધારા સામે 10 શૅર ઘટાડે હતા.
શૅરબજારમાં નવી ખરીદીની માત્રા જોતા હવે નિફટીમાં 12200ની સપાટીનો માર્ગ મોકળો થયો છે, એમ ટેક્નિકલી જણાય છે. જોકે, માત્ર વૈશ્વિક સુધારા સાથે સ્થાનિકમાં સરકારના આર્થિક નિર્ણયોનો ટેકો મળશે, તો જ બજારનો સુધારો આગળ વધશે એમ બજારના જાણકારો માને છે.
વૈશ્વિક-એશિયન બજારમાં ફૂલગુલાબી તેજી
બ્રિટનનાં ચૂંટણી પરિણામ સાથે ચીન-અમેરિકાના ટ્રેડ કરારની પ્રબળ આશાએ તમામ શૅરબજાર ઊછળીને બંધ હતાં. એશિયામાં મુખ્ય બજાર ગણાતાં ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ બાવન પૉઈન્ટ અને હૅંગસૅંગ સંગીન રીતે 694 પૉઈન્ટ વધ્યો હતો. જપાનમાં નિક્કી 600 પૉઈન્ટ અને નાસ્દાકમાં 63 પૉઈન્ટનો વધારો નોંધાયો છે. યુરો સ્ટોકસ-600 નોંધપાત્ર 1.5 ટકા ઊંચે બંધ હતો.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer