ભારત બૉન્ડ ઇટીએફમાં એન્કર ઇન્વેસ્ટર્સે 1.7 ગણું ભરણું છલકાવ્યું

ભારત બૉન્ડ ઇટીએફમાં એન્કર ઇન્વેસ્ટર્સે 1.7 ગણું ભરણું છલકાવ્યું
નાના રોકાણકારો રૂા. 1000 અને તેના ગુણાંકમાં અરજી કરી શકશે
મુંબઈ, તા. 13?: ભારત બૉન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)નું ન્યૂ ફંડ અૉફર (એનએફઓ)નું ભરણું ગુરુવારે ખૂલ્યું તે જ દિવસે એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી જે બીડ મળી તેમાં ભરણું 1.7 ગણું ભરાઈ ગયું હતું. આ માર્ગે રૂા. 3000 કરોડની બિડ્સ મળી હતી. એન્કર ઇન્વેસ્ટર્સમાં જાહેર ક્ષેત્રની બૅન્કો, વીમા કંપનીઓ અને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે. એલઆઈસીએ આ ભરણમાં ભાગ લીધો હોવાનું જાણવા મળે છે.
20 ડિસેમ્બર સુધી આ એનએફઓ અન્ય રોકાણકારો માટે ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારોએ રૂા. 10 કરોડ તે પછી રૂા. 1000ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે. વ્યક્તિગત નાના રોકાણકારો ન્યૂનતમ રોકાણ રૂા. 1000 અને રૂા. 1000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. તેમની મહત્તમ રોકાણ મર્યાદા રૂા. 2 લાખ છે.
જે રોકાણકારો પાસે ડિમેટ ખાતું ન હોય તે ફંડ અૉફ ફંડ્સના માધ્યમે (એફઓએફ) એનએફઓમાં રોકાણ કરી શકશે. આ ઇટીએફ મારફત સરકાર હસ્તક એકમોના `એએએ' રેટિંગ ધરાવતા બૉન્ડ્માં રોકાણ કરી શકાશે.
ત્રણ વર્ષે પાકતી મુદતની સિરીઝમાં ઇટીએફ રૂા. 3000 કરોડ એકત્ર કરવા ધારે છે, જેમાં ગ્રીનશુ અૉપ્શનના પેટે રૂા. 2000 કરોડ છે. 10 વર્ષે પાકતી મુદતની સિરીઝમાં ઇટીએફ રૂા. 4000 કરોડ એકત્ર કરશે અને રૂા. 6000 કરોડ ગ્રીનશુ અૉપ્શન અંતર્ગત છે.
એડલવિસ એસેટ મૅનેજમેન્ટ (એએમસી)ના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર રાધીકા ગુપ્તાએ કહ્યું કે લોકપ્રિયતા વૈશ્વિક ધોરણ બૉન્ડ ઇટીએફની છેલ્લા દાયકામાં ઘણી વધી છે. આનું મુખ્ય કારણ એ છે કે અન્ય બૉન્ડ ફંડ્સની સરખામણીએ બૉન્ડ ઇટીએફમાં ઓછો ખર્ચ છે. બૉન્ડ ઇટીએફનું અસ્કયામત સ્તર 1 લાખ કરોડ ડૉલરનું છે.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer