અર્થતંત્રને વેગવાન બનાવવા સરકાર પંદર દિવસમાં

અર્થતંત્રને વેગવાન બનાવવા સરકાર પંદર દિવસમાં
રૂા. 20,000 કરોડની દરખાસ્તોને મંજૂરી આપશે   
નવી દિલ્હી, તા. 13 : પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ નીચે સરકારે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને અત્યાર સુધીમાં રૂા. 4.47 લાખ કરોડની રકમ મંજૂર કરી છે જેમાં રૂા. 1.29 લાખ કરોડ પૂલ બાયઆઉટ એસેટ્સનો સમાવેશ થાય છે એવી માહિતી આજે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારે આપી હતી.  
પ્રધાનમંડળની મંજૂરીના બે દિવસમાં રૂા. 7000 કરોડની 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત આ યોજના નીચે રૂા. 20,000 કરોડની દરખાસ્તોને આગામી બે સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે એમ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું.   
ઇકોનોમિક સર્વેમાં રોકાણ વધારીને ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાની યોજનાની રૂપરેખા આપવામાં આવી હતી. વપરાશના ક્ષેત્રમાં સરકારે એનબીએફસી અને એચએફસીને ટેકો આપવાનાં પગલાં લીધાં છે એમ તેમણે ઉમેર્યું હતું. 
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારે પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર માટે સરકારે લીધેલાં પગલાંઓ વિષે વાત કરી હતી. 
રોકાણની બાબતમાં સરકારે રિયલ એસ્ટેટને ટેકો આપવા, ધિરાણ વધારવા અને બૅન્કોને વધુ મૂડી આપવાનાં પગલાં લીધાં છે. 
બે મહિનામાં જાહેર ક્ષેત્રની 32 કંપનીઓની લેણી રહેલી રકમના 60 ટકા જારી કરીને સરકારે બજારમાં પ્રવાહિતા વધારી છે.  
બૅન્કોને ધિરાણદરનું બેંચમાર્કિંગ કરવાની સૂચના અપાયા બાદ નવી વ્યવસ્થા નીચે રૂા. 72,210 કરોડનું ધિરાણ થયું છે. 
આ ઉપરાંત સરકારે મૂડી ખર્ચમાં વધારો કર્યો છે અને વિદેશી રોકાણનો પ્રવાહ પણ વધ્યો છે એમ તેમણે કહ્યું હતું.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer