પાર્ટીવિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય ભાજપ

પંકજા મુંડે અને ખડસેના `શક્તિ પ્રદર્શન'માં હાજર રહેલા ચંદ્રકાંત પાટીલે આપી ચેતવણી
સોલાપુર, તા.13 : દિવંગત ગોપીનાથ મુંડેની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ગુરુવારે પરલીમાં મુંડેનાં પુત્રી પંકજા મુંડે અને વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ મહારાષ્ટ્રમાં ભાજપની નેતાગીરી સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યા બાદ આ સભામાં હાજર રહેલા ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આજે કહ્યું હતું કે પાર્ટીવિરોધી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. સોલાપુરમાં આજે પાર્ટીના કાર્યકરોને સંબોધતા પાટીલ ગર્જ્યા હતા.
પરલીમાં ગઇકાલે ગોપીનાથ મુંડેની જન્મજયંતીના અવસરે શક્તિ પ્રદર્શનમાં પાટીલની હાજરીમાં જ પંકજા મુંડે અને એકનાથ ખડસેએ પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કાર્યપદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગયા અૉક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ પરિણામો પછી શિવસેના સાથેની યુતિનો અંત આવ્યાથી ભાજપ ફરીથી સરકાર ન બનાવી શક્યો તેથી હાલમાં ફડણવીસ સામે અસંતોષ ભભૂકી રહ્યો છે.
પાટીલે સોલાપુરમાં આજે જણાવ્યું હતું કે હવેથી પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા કોઇને બક્ષવામાં નહીં આવે. રાષ્ટ્રીય સ્તરથી લઇને સ્થાનિક સ્તર સુધી પરિસ્થિતિ પર પાર્ટીની નજર છે. પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ કોઇને બક્ષ્યા નથી, એ આપણે જોયું છે.                                             પરલીના શક્તિ પ્રદર્શનમાં હાજર રહેવાના મુદે પાટીલે સોલાપુરમાં કહ્યું હતું કે કેટલાંક લોકોએ મને એમ પણ કહ્યું હતું કે ત્યાં ન જતા, તમારા પર ઇંડા ફેંકાશે. જો કે મારા માટે ત્યાં હાજર રહેવાનું અણગમતું હતું. પરંતુ જો હું ત્યાં ન ગયો હોત તો સ્થિતિ વધુ વણસી શકી હોત. સંવાદથી કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી શકે છે.
પંકજા મુંડેના ભાષણ વિશે પાટીલે કહ્યું હતું કે પંકજા તાઇએ એના ભાષણમાં છત્રપતિ શિવાજી મહારાજ અને વીર સાવરકરે અન્યાય સામે અવાજ ઉઠાવ્યાના ઉદાહરણો આપ્યા હતા પરંતુ શિવાજી મહારાજે મુધલો સામે અને વીર સાવરકરે અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ તમે તમારા પોતાનાઓ સામે અવાજ ઉઠાવશો?
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer