નાગરિકત્વ સુધારા કાયદાને મહારાષ્ટ્ર સરકાર લાગુ ન પાડે એવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13: કેન્દ્ર સરકારે કરેલા નાગરિકતા ધારામાં સુધારાને લીધે ઈશાન ભારતના કેટલાક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. જ્યારે કેટલાક રાજ્યોએ આ કાયદાને આવકાર આપ્યો નથી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે આ કાયદાનો અમલ કરવાની અનિચ્છા દર્શાવી છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાત અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે આ સંકેત આપ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદામાં સુધારો કરીને અને તેનો કાયદો કરીને કેન્દ્ર સરકાર અમને તેનું પાલન કરવાની ફરજ પાડી શકે નહી. બીજી તરફ છત્તીસગઢે પણ આ કાયદો લાગુ નહીં પાડવાના સંકેતો આપ્યા છે. દેશના છ રાજ્યોએ કાયદામાં સુધારોનો વિરોધ કર્યો છે.
મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન નીતિન રાઉતએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ નાગરિકતા કાયદામાં સુધારાને અમલમાં નહીં મૂકે. અમને આશા છે કે આ સંવેદનશીલ મુદ્દા અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અમને સહકાર આપશે. કૉંગ્રેસે સિટિઝન્સ અમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો છે. તેનો અમલ મહારાષ્ટ્રમાં થવા નહીં દઈએ. આ મુદ્દે અમે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. મને આશા છે કે શિવસેનાએ રાજ્યસભામાં અપનાવેલા વલણ અંગે ઉદ્ધવ ઠાકરે હવે દૃઢ રહેશે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા બાળાસાહેબ થોરાતે જણાવ્યું છે કે આ મુદ્દે અમે મોવડીઓના આદેશોનું પાલન કરશું.
શિવસેનાએ આજે કેન્દ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, પોતે વિશ્વમાંના હિંદુઓના હિતોના તારણહાર છે. એવું દેખાડવા ભાજપના વર્ચસ હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારા કર્યા છે. ઈશાન ભારતના રાજ્યોમાં હિંસા પ્રસરી છે. બિનઆવશ્યક મુશ્કેલી વહોરી લઈને ભાજપ કયું રાજકારણ રમી રહ્યો છે. બંધારણની 370મી કલમ રદ કરવામાં આવ્યા છતાં કાશ્મીરી પંડીતો હજી કાશ્મીરમાં પાછા ફરી શક્યા નથી. કાશ્મીરમાં પરિસ્થિતિ હજી સામાન્ય નથી. ઈશાન ભારતના રાજ્યોમાંની હિંસા દેશના અન્ય રાજ્યોમાં પ્રસરે નહીં તે માટે પગલાં ભરવામાં આવવા જોઈએ. એમ શિવસેનાએ ઉમેર્યું હતું.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer