બજેટ 1 ફેબ્રુઆરીના જ રજૂ થશે જોશી

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 13 : સંસદનું શિયાળુ સત્ર સારું રહ્યું હતું અને 26 દિવસના આ સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા 116 અને રાજ્યસભાની ઉત્પાદકતા 100 ટકા રહી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એવો દાવો કર્યો હતો કે, આગામી બજેટ સત્ર સમયાનુસાર 1 ફેબ્રુઆરી, 2020ના શરૂ થશે.
સંસદના શિયાળુ સત્રની સમાપ્તિ પર પ્રહલાદ જોશીએ કામકાજની વિગતો રજૂ કરતાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, બજેટ એક ફેબ્રુઆરીના રજૂ થશે. નિર્ધારિત સમય મુજબ બજેટ 1 ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે તે દિવસે શનિવાર હોવાથી શું તેમાં કોઈ ફેરફાર કરાશે, એવા સવાલના જવાબમાં જોશીએ જણાવ્યું હતું કે, પરંપરા મુજબ બજેટ 1 ફેબ્રુઆરીના જ રજૂ થશે.
સત્તરમી લોકસભાના અત્યાર સુધીમાં બે સત્ર થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી નાયબ સ્પીકરની ચૂંટણી થઈ નથી. આ સવાલના જવાબમાં જોશીએ જણાવ્યું હતું કે, આ બાબતમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે.
કૉંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીના ``રેપ ઇન ઇન્ડિયા'' નિવેદન પર આજે લોકસભામાં ભારે ધાંધલધમાલ થઈ હતી અને જોશીએ જણાવ્યું હતું કે, રાહુલના આવા નિવેદનથી દેશની મહિલાઓની લાગણી દુભાઈ છે અને તેમનું અપમાન થયું છે. તેમણે આ નિવેદન બદલ માફી માગવી જોઈએ.
જોશીએ જણાવ્યું હતું કે, આ સત્ર દરમિયાન કુલ 20 બેઠકો થઈ અને અનેક મહત્ત્વપૂર્ણ ખરડાઓ પસાર થયા. નાગરિકતા સંશોધન ખરડો, વિશેષ સુરક્ષા ગ્રુપ સંશોધન ખરડો, આયુધ સંશોધન ખરડો, ચિટફંડ ખરડો, 126મો બંધારણ સંશોધન ખરડો જેવા ઘણા મહત્ત્વના ખરડા પસાર થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, બંધારણના અમલને 70 વર્ષ થયાં તે સંદર્ભમાં 26 નવેમ્બર, 2019ના સંસદનાં બન્ને ગૃહોના સાંસદોના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer