તમે ઘરે નહીં હો તો વાંધો નહીં

અૉનલાઈન ખરીદીની ડિલિવરી હવે રેલવે સ્ટેશનોએ મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : તમે અૉનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય અને તેની ડિલિવરી વખતે તમે ઘરે હાજર ન હો તો હવે ચિંતા કરવાનું કારણ નથી. કેમકે એ વસ્તુ હવે તમને તમારા નજીકના રેલવે સ્ટેશનેથી લઈને ઘરે જઈ શકશો.
પશ્ચિમ રેલવેએ તેના મહત્ત્વના સ્ટેશનોએ આવી અૉનલાઈન ખરીદેલી ચીજો માટે માઈક્રો વેરહાઉસ ખોલવાનો નિર્ણય લીધો છે.
એમેઝોન, ફલીપકાર્ટ કે નેચર બાસ્કેટ જેવી અૉનલાઈન શોપિંગ કંપનીઓ મારફતે તમને કોઈ વસ્તુ મંગાવવી હશે અને તમારે ઘરે દિવસ દરમિયાન કોઈ રહેતું ન હોય તો હવે પડોશીને તસ્દી આપવાની જરૂર નથી. પશ્ચિમ રેલવેએ તેના મહત્ત્વના સ્ટેશનોએ મોટી અૉનલાઈન કંપનીઓ માટે `માઈક્રો વેરહાઉસ' ઊભાં કરવાનો નિર્ણય લીધો છે. વિશેષમાં ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં નહીં આવે.
મધ્ય રેલવેએ તાજેતરમાં જ સીએસએમટી સ્ટેશને એમેઝોન કંપનીની આવી રીતે જગ્યા ભાડે આપી છે.
પશ્ચિમ રેલવેએ આ માટે ક્યા સ્ટેશનોએ વેરહાઉસ ઊભાં કરવાં તેનો અભ્યાસ શરૂ ર્ક્યો છે. જોકે આ માટે બાંદરા, અંધેરી, બોરીવલી, વસઈ જેવાં સ્ટેશનોની પસંદગી કરવામાં આવશે.
આ સ્ટેશનોએ નાના પિકઅપ સ્ટોલ ઊભાં કરાશે અને કંપનીઓ પાસેથી 60 હજારથી એક લાખ રૂપિયા સુધીનું ભાડું વસૂલાશે. પશ્ચિમ રેલવેએ બિન ભાડાંની આવક વધારવાનાં એક ભાગ રૂપે આ યોજના બનાવી છે. અત્યારસુધી `નોન ફેર રેવન્યુ' પેટે રેલવેએ 3056 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer