રાષ્ટ્રવાદીમાં આંતરિક ખેંચતાણને લીધે ગૃહ ખાતું શિવસેનાને

અભ્યાસક્રમનું ભગવાકરણ રોકવા કૉંગ્રેસ શાળા શિક્ષણ ખાતું મેળવવામાં સફળ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારે સત્તા સંભાળ્યા પછી પખવાડિયા સુધી ભારે ખેંચતાણ બાદ ખાતાંની ફાળવણી થઈ શકી છે. શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ વચ્ચે ગૃહ, નાણાં, મહેસૂલ, નગરવિકાસ અને ગ્રામવિકાસ જેવાં ખાતાઓ માટે ખેંચતાણ હતી. તે અંગે સમજૂતી સાધવામાં સમય લાગ્યો હતો. કર્ણાટકમાં સત્તાધારી પક્ષમાં ભંગાણ થયું એવા બનાવોનું પુનરાવર્તન નિવારવા માટે અધિવેશન પછી પ્રધાનમંડળનું વિસ્તરણ કરાશે.
આ ત્રણેય પક્ષોમાં અને ખાસ કરીને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના વિધાનસભ્યોમાં પ્રધાનપદ અને પસંદગીનાં ખાતાં માટે ઈચ્છુકોની યાદી લાંબી છે. તેના કારણે ખાતાંની વહેંચણી અને પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબ થયો છે.
રાષ્ટ્રવાદીમાં અતિ મહત્ત્વના ગૃહ ખાતા માટે જયંત પાટીલ, અજિત પવાર અને છગન ભુજબળ જેવા વરિષ્ઠ નેતાઓ દાવેદાર હતા. અજિત પવાર પક્ષની નીતિથી વિરુદ્ધ ફડણવીસ સાથે ઉતાવળે સરકાર રચી પછી તેમનો સહુથી વરિષ્ઠ નેતા તરીકેનો દાવો નબળો પડયો છે. આપસની ખેંચતાણને હાલ પૂરતી થાળે પાડવા રાષ્ટ્રવાદીએ શિવસેનાને ગૃહ ખાતું આપ્યું હોવાનું મનાય છે. નાગપુર અધિવેશન પછી ગૃહ ખાતું રાષ્ટ્રવાદી પાસે આવી શકે છે. તે સિવાય ખાતાઓમાં મોટા ફેરફારનો અવકાશ નથી. આમ છતાં ખાતાંની ફાળવણીને સમતોલ કરવા આ ત્રણેય પક્ષો કેટલાંક ખાતાંની અદલાબદલી કરી શકે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લાં લગભગ 25 વર્ષથી મોટા ભાગના મુખ્ય પ્રધાનો નગરવિકાસ ખાતું પોતાની પાસે રાખતા હોવાનું જોવા મળ્યું હતું. આ વખતે ઉદ્ધવે તે ખાતું પોતાની પાસે રાખ્યું નથી, પણ પોતાના પક્ષના શિંદેને ફાળવ્યું છે. આ ખાતું મુંબઈ સહિત બધાં શહેરોના વિકાસ સંબંધી છે. ઉદ્યોગ ખાતું પણ શિવસેનાએ પોતાની પાસે રાખ્યું છે.
ભાજપ-શિવસેનાની અગાઉની સરકારે ગત પાંચ વર્ષમાં અભ્યાસક્રમમાં `આરએસએસતરફી' અને `ગાંધીવિરોધી' પાઠો ઘુસાડવામાં આવ્યા હોવાનું કૉંગ્રેસના નેતાઓ માને છે. કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી શાળા શિક્ષણ ખાતું પોતાના પક્ષ પાસે આવે એ માટે ઈચ્છુક હતાં. તે મુજબ બાળાસાહેબ થોરાતને શાળા શિક્ષણ ખાતું અપાયું છે.
મહાવિકાસ આઘાડીના નેતાઓને ડર છે કે જે રીતે કર્ણાટકમાં વિધાનસભાના અધિવેશન ટાણે કૉંગ્રેસ અને જનતા દળ (યુનાઈટેડ)ના વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં તેનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં થઈ શકે છે, તેથી નાગપુર અધિવેશન પૂર્ણ થાય ત્યાં સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ મુલતવી રાખવામાં આવ્યું છે.
લઘુમતી બાબતોનું ખાતું કૉંગ્રેસને મળ્યું નથી. તેના બદલે તે રાષ્ટ્રવાદીને ફાળવવામાં આવ્યું છે. આદિવાસી કલ્યાણ ખાતું રાષ્ટ્રવાદી પોતાની પાસે રાખવામાં સફળ નીવડયો છે.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer