ગૃહ મંત્રાલય કહે છે અમલ કરવો જ પડશે

નવી દિલ્હી, તા. 13 : નાગરિકતા સુધારા કાયદા સામે વધતા વિરોધની વચ્ચે કેન્દ્રના ગૃહ મંત્રાલયનાં સૂત્રોએ આજે અત્રે એવો દાવો કર્યો હતો કે કેન્દ્રના આદેશ હેઠળ આવી જતા કાયદાના અમલને અટકાવવાની વ્યક્તિગત રાજ્યો પાસે કોઈ સત્તા નથી.
બંધારણના 7મા શેડયુઅલની કેન્દ્રીય યાદી હેઠળ આવતા કેન્દ્રીય કાયદાઓને નકારવાની સત્તા રાજ્યો પાસે નથી, એમ જણાવીને ગૃહ મંત્રાલયના એક ટોચના અધિકારીએ ઉમેર્યું હતું કે નાગરિકતા આપવી એ કેન્દ્રનો અધિકાર છે.
પશ્ચિમ બંગાળ, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સહિતના વિપક્ષો દ્વારા શાસિત ઘણાં રાજ્યોએ જણાવી દીધું છે કે તેઓ તેમના પ્રદેશમાં સુધારાયેલા સિટિઝનશિપ કાયદાનો અમલ થવા દેશે નહીં. તેમણે આ કાયદાને ભેદભાવયુક્ત અને ગેરબંધારણીય જણાવ્યો છે.
આ ખરડાને ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપતાં તે કાયદો બની ગયો છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ કાયદાની વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. આજે આસામના ગૌહતીમાં પોલીસ ગોળીબારમાં બે જણ માર્યા ગયા હતા. આ કાયદાનો જોરદાર વિરોધ કરી રહેલા પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવી ચેતવણી આપી હતી કે તેઓ તેમના રાજ્યમાં આ કાયદાનો અમલ કરવા દેશે નહીં. તેમણે તેની સામે શૃંખલાબદ્ધ રૅલીઓ યોજવાની પણ જાહેરાત કરી હતી. `સંસદમાં આ ખરડો પસાર થઈ ગયો હોવા છતાં અમે તેનો અમારા રાજ્યમાં અમલ થવા દેશું નહીં' એવી ચેતવણી મમતા બેનરજીએ આપી હતી.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer