રાહુલની જોરદાર ટીકા કરતાં રાજનાથ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ભાજપશાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ વધુ બને છે. ઉન્નાવની ઘટનાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તો હવે ભાજપમાંથી કાઢી મુકાયેલા વિધાનસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ તો તરુણી પર બળાત્કાર અને બાદમાં તેને કાર અકસ્માતમાં પતાવી દેવાના પ્રયાસના ગંભીર આરોપો છે. ગાંધીએ કહ્યું હતું કે મોદીજી એક પણ શબ્દ નથી બોલતા. તેઓ હિંસાનો ઉપયોગ કરે છે. મહિલાઓ સામે હિંસાચાર, કાશ્મીરમાં હિંસાચાર અને હવે પૂર્વોત્તર ભારતમાં હિંસાચાર. 
ઝારખંડમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીનાં આવાં વિધાનોનો જોરદાર વિરોધ લોકસભામાં સત્તાધારી ભાજપનાં સ્મૃતિ ઇરાની સહિતના ટોચના પ્રધાનોએ કર્યો હતો અને કૉંગ્રેસના નેતાની કઠોર શબ્દોમાં નિંદા કરી હતી. સત્તાધારી ભાજપની છાવણી તરફથી ગૃહમાં સતત શેઇમ... શેઇમના નારા ગુંજતા બે વાર લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
ઇરાનીએ લોકસભામાં કહ્યું હતું કે ઇતિહાસમાં પહેલી વાર કોઇ નેતા ભારતીય મહિલાઓ પર બળાત્કાર થવા જોઇએ (રેપ ઇન ઇન્ડિયા), એવું ખુલ્લેઆમ કહી રહ્યા છે. શું ભારતીયો માટે રાહુલ ગાંધીનો આ સંદેશો છે? આવાં વિધાનો બદલ તેમને સજા થવી જોઇએ. ઇરાનીના ભાષણ દરમિયાન ભાજપના સંસદસભ્યો સતત રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ઇરાનીએ કહ્યું હતું કે બધા પુરુષો બળાત્કારી નથી. આ તો ભારતનું અપમાન છે... રાહુલ ગાંધી હવે લગભગ પચાસ વર્ષના થયા છે, પરંતુ તેમને એટલું ભાન નથી કે આવાં વિધાનો ભારતમાં બળાત્કાર કરવાના આમંત્રણ સમાન છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આવાં વિધાનો કરનારી વ્યક્તિને આ ગૃહના સભ્યપદે રહેવાનો સૈદ્ધાંતિક અધિકાર જ નથી. ડીએમકેના નેતા કનિમોઝીએ રાહુલ ગાંધીના બચાવમાં કહ્યું હતું કે ગાંધી દેશમાં મહિલાઓ સામેના અત્યાચારની ઘટનાઓ સામે સરકાર સામે સવાલ કરી રહ્યા છે. વડા પ્રધાનની મેઇક ઇન ઇન્ડિયા યોજનાનો અમે બધા આદર કરીએ છીએ અને દેશનું અર્થતંત્ર વેગીલું બને એવું બધા માને છે, પરંતુ દેશમાં આ શું થઇ રહ્યું છે? એવું રાહુલ ગાંધી કહેવા માગે છે. મેઇક ઇન ઇન્ડિયાથી દેશના અર્થતંત્રને કોઇ ફાયદો નથી થયો, પરંતુ દેશમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બેફામપણે વધી રહી છે, એમ તેમનું કહેવું છે.
બીજી તરફ કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને ડાબેરી પાર્ટીઓએ સિટિઝન અમેન્ડમેન્ટ બિલના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યોમાં ફાટી નીકળેલાં હિંસક પ્રદર્શનોના મુદ્દે રાજ્યસભામાં હોબાળો મચાવતાં આજે બે વાર ગૃહ મોકૂફ રાખવું પડયું હતું. ટીએમસીના સભ્ય ડેરેક ઓબ્રાયને આ મુદ્દો ઉઠાવતાં રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ તેમને યાદી અનુસાર પ્રશ્નો ઉઠાવવાના બદલે અન્ય મુદ્દે બોલવા દેવાનો ઇનકાર કર્યો હતો. ઓબ્રાયનના ટેકામાં પહેલા કૉંગ્રેસ અને બાદમાં વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. ટીએમસીના સભ્ય ડોલા સેને આ હોબાળા વચ્ચે જ વેલમાં ઘૂસીને પેપર ફાડયા હતા. સભાપતિએ સભ્યોને શાંત રહેવાની અપીલ કરી હતી, પરંતુ તેની અસર ન થઇ અને ગૃહ મોકૂફી કરવામાં આવી હતી.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer