છ રાજ્યો કહે છે અમે અમલ નહીં કરીએ

નવી દિલ્હી, તા. 13 : નાગરિકતા સુધારા કાયદાને લઇને એક તરફ ઉત્તર-પૂર્વમાં હિંસક વિરોધ જારી છે, ત્યારે કેટલીક રાજ્ય સરકારોએ તેમના પ્રાંતમાં તેનો અમલ કરવાનો જ ઇનકાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને પંજાબ પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે એવા સંકેત આપ્યા હતા કે તેઓ આ કાયદાનો અમલ નહીં કરવાનો નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને ઉદ્ધવ સરકારમાં પ્રધાન બાળાસાહેબ થોરાટ સાથે એમપીના સીએમ કમલનાથે આવા સંકેત આપ્યા હતા.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું કે, સંસદમાં નાગરિકત્વ (સુધારા) બિલ પસાર કરીને અને તેનો કાયદો બનાવીને કેન્દ્ર સરકાર અમને તેનું પાલન કરવાની ફરજ પાડી શકે નહીં. બીજી તરફ છત્તીસગઢે પણ હવે તેનો અમલ નહીં કરવાના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં કુલ 6 રાજ્ય થયાં છે જે આ કાયદાના સીધા વિરોધમાં જોવા મળી રહ્યાં છે.
કમલનાથે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ નાગરિકત્વ કાયદા અંગે જે પણ સ્ટેન્ડ લેશે તેનું પાલન કરીશું. અમે એવી પ્રક્રિયાના ભાગ બનવા માગતા નથી કે જેના બીજ ભેદભાવ હોય. બાળાસાહેબ થોરાટે કહ્યું કે, અમે પાર્ટીના નેતૃત્વની નીતિનું પાલન કરીશું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે પણ કહ્યું છે કે, આ કાયદા અંગે પક્ષનો નિર્ણય જ તેમનો નિર્ણય રહેશે.
આ પહેલાં ગઈકાલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘની ઓફિસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં તેનો અમલ કરવામાં નહીં આવે. આ સાથે જ કેરળના સીએમ પિનરાઈ વિજયને પણ કહ્યું કે, તેઓ પણ આ કાયદાને સ્વીકારતા નથી. તેને ગેરબંધારણીય ગણાવતાં વિજયને કહ્યું કે, કેન્દ્ર સરકાર ધાર્મિક આધારો પર ભારતને વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારના પ્રધાન ડેરેક ઓ'બ્રાયને કેન્દ્ર સરકાર પર વચન તોડવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, એનઆરસી અને સીએબી બંને પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરવામાં આવે. 
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer