ખાર માર્કેટ નજીકનો ચબુતરો બંધ થતાં જીવદયા પ્રેમીઓમાં આક્રોશ

ખાર માર્કેટ નજીકનો ચબુતરો બંધ થતાં જીવદયા પ્રેમીઓમાં આક્રોશ
પશુ કલ્યાણ બોર્ડે કમિશનરને ખુલાસો કરવા જણાવ્યું : ચારે બાજુ જાળી લગાવતાં 200 કબૂતર મર્યાનો આક્ષેપ
મુંબઈ, તા. 13 : ખાર વેસ્ટમાં સ્ટેશન પાસેનું કબૂતરખાનું લગભગ 40 વર્ષ જૂનું છે. જ્યાં રોજ લગભગ બે હજારથી વધુ કબૂતરોને દાણા નાખવામાં આવતા હતા. ત્યાં આવતાજતા અનેક જીવદયા પ્રેમીઓ દાણા નાખતા હતા. આ કબૂતરખાનાની દેખરેખ `જીવદયા કબૂતરખાના ચેરિટેબલ ટ્રસ્ટ' છેલ્લા 25 વર્ષથી સંભાળી રહી છે. કબૂતરોનાં કારણે બીમારી થાય છે એવી કોઈ રહેવાસીની ફરિયાદ પરથી મુંબઈ મહાનગરપાલિકાએ ગત 10 ડિસેમ્બરથી કબૂતર ખાનાને ચારે બાજુ જાળી લગાવીને બંધ કરી દેતાં જીવદયા પ્રેમીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે.
પાલિકાએ દંડ વસૂલવા અને દાણા નાખતા રોકવા 15 જેટલા ચોકીદારોને તહેનાત ર્ક્યા હતા.
જીવદયા કબૂતરખાના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદનમલજી પરમારના જણાવ્યા અનુસાર કબૂતરખાનાને જાળીઓથી બંધ કરતાં તેમાંના 200થી વધુ કબૂતરનાં મોત નીપજયાં છે. કબૂતરોની દયનીય સ્થિતિ જોઈને એનીમલ વેલફેર બોર્ડ અૉફ ઈન્ડિયાના માનદ જિલ્લા એનીમલ વેલફેર ઓફિસર મિતેશ રાઠોડ જૈનએ કબૂતરખાનાની જાત તપાસ કરી હતી અને આ સમગ્ર મુદ્દો ભારત સરકારનાં પશુ કલ્યાણ બોર્ડ સમક્ષ ઉપસ્થિત ર્ક્યો છે.
ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડના સચિવ ડૉ. નીલમ બાલાજીએ મુંબઈ મહાપાલિકાના કમિશનરને પત્ર લખીને કબૂતરખાનું બંધ કરવા બદલ ખુલાસો માગ્યો છે. મિતેશ જૈનએ આ પત્રની નકલ બાંદરાના વોર્ડ ઓફિસરને મોકલાવી છે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer