બ્રિટનમાં ભારતીય મૂળના ઉમેદવારોની બોલબાલા

બ્રિટનમાં ભારતીય મૂળના ઉમેદવારોની બોલબાલા
લંડન, તા. 13 : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ શાનદાર વિજય મેળવીને બહુમત હાંસિલ કરી દીધો છે. સાથે જ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત મેળવી છે. કન્ઝર્વેટિવ અને લેબર પક્ષના લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદે પોતાની બેઠક જાળવી રાખી છે, તો કેટલાક નવા ચહેરાઓએ પણ જીત હાંસિલ કરી છે. પહેલીવાર ચૂંટણી જીતનારા ભારતીય મૂળના સાંસદોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા અને ક્લેયર કોટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા છે.
ઈન્ફાસીસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક ઉપરાંત પૂર્વ મંત્રી આલોક શર્માએ રીડિંગ વેસ્ટ બેઠક પર જીત મેળવી છે. નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરથી શૈલેશ વારાએ તો ગોવા મૂળની સુએલા બ્રેયરમેને વિજય પ્રાપ્ત કર્યો છે. ગોવા મૂળની કોટિન્હોએ જીત બાદ કહ્યું હતું કે, આ સમય બ્રેક્ઝિટને અંજામ સુધી પહોંચાડવાનો છે. તેમણે સરે ઈસ્ટથી જીત મેળવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે વિટહેમથી વિજય હાંસિલ કર્યો છે. 
વિપક્ષી લેબર પાર્ટીની કારમી હાર થઈ છે, પણ તેના ભારતીય મૂળના તમામ સાંસદો જીત્યા છે. બ્રિટનની પહેલી મહિલા શીખ સાંસદ બનનારી પ્રીત કૌર ગિલે બેઠક જાળવી રાખી છે. ઉપરાંત બ્રિટનના પહેલા પાઘડીધારક શીખ સાંસદ તનમનજીતસિંહ ધેસી પણ એજબેસ્ટનથી ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના કંવર તૂર ગિલને હાર આપી હતી. મિશ્રા સ્ટોકપોર્ટ બેઠકથી વિજયી થયા છે. ઉપરાંત વીરેન્દ્ર શર્મા, લિસા નેન્ડી, સીમા મલ્હોત્રા, કીથ વાઝની બહેન ક્લેરી વાઝે પણ જીત મેળવી છે. 
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer