આબેનો ભારત પ્રવાસ મોકૂફ

આબેનો ભારત પ્રવાસ મોકૂફ
આસામમાં હિંસક દેખાવોને પગલે ગુવાહાટીમાં શિખર બેઠક મુલતવી
નવી દિલ્હી, તા. 13 : નાગરિકતા સુધારા ખરડાના વિરોધમાં આસામમાં ઉગ્ર અને હિંસક દેખાવોને પગલે 15થી 17 ડિસેમ્બર સુધી ગુવાહાટીમાં આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિન્ઝો આબે વચ્ચેની શિખર બેઠક મુલતવી રાખવામાં આવી છે. શિખર મંત્રણાની આગામી તારીખ હવે જાહેર થશે.
આસામના પાટનગર ગુવાહાટીને હચમચાવી મુકનાર નાગરિકતા સુધારા ખરડાના વિરોધમાં ઉગ્ર અને હિંસક દેખાવોને પગલે  વ્યાપક વિરોધ પ્રદર્શનના  અનુસંધાનમાં આ યાત્રા મોકૂફ કરવામાં આવી છે.
વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે માહિતી આપતાં કહ્યું હતું કે, ભારત અને જાપાને પારસ્પરિક રીતે વાતચીત કર્યા બાદ યાત્રાને હાલ પૂરતી મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.
આ શિખર બેઠક હવે આગામી વર્ષે યોજાશે જેની તારીખ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે. આસામ હાલમાં સુધારવામાં આવેલા, નાગરિક કાનૂન સામેના વિરોધમાં તંગ સ્થિતિમાં છે. બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવા સાથે સંબંધિત આ બિલને લઇને હોબાળો થયો છે.
સૂત્રોએ કહ્યું છે કે, જાપાનની ટીમે બુધવારના દિવસે તૈયારીના ભાગરૂપે સ્થિતિની સમીક્ષા કરવા ગુવાહાટીની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ જાપાન દ્વારા વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું હતું કે, વર્તમાન સંજોગો હેઠળ વાતચીત કરવી યોગ્ય રહેશે નહીં. જાપાની સરકારે મોદી સરકારને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, મોટાપાયે વિરોધ પ્રદર્શન વચ્ચે યાત્રા કરવી યોગ્ય રહેશે નહીં.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, હાલના સમયમાં નવી તારીખ અંગે વાત કરી રહ્યા નથી. બંને દેશો વચ્ચે સંબંધો દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યા છે ત્યારે આ યાત્રા મોકૂફ રહેતા આંશિક નુકસાન થયું છે.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer