વિશ્વની સો શક્તિશાળી નારીની ફોર્બ્સ-યાદીમાં નિર્મલા સીતારામન

વિશ્વની સો શક્તિશાળી નારીની ફોર્બ્સ-યાદીમાં નિર્મલા સીતારામન
કિરન મઝુમદાર શો સામેલ
ન્યુયોર્ક, તા. 13: વિશ્વની એકસો સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સે બહાર પાડેલી '19ના વર્ષ માટેની યાદીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન, એચસીએલ કોર્પોરેશનના સીઈઓ અને એકઝી. ડિરેકટર રોશની નાદર મલ્હોત્રા અને બાયોકોનના સ્થાપક કિરન મઝુમદાર શોનો સમાવેશ થાય છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ યાદીમાં ટોચના સ્થાને છે, યુરોપીઅન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ક્રિસ્ટાઈન લેગાર્ડ બીજા અને અમેરિકી પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી ત્રીજા ક્રમે છે.
દેશના પૂર્ણ કક્ષાના પ્રથમ મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારામન આ યાદીમાં 34મા સ્થાને છે. તેઓ સંરક્ષણ મંત્રીપદે ય રહી ચૂકયા છે. એચસીએલ કોર્પો.ના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા પ4મા ક્રમે છે.  8.9 અબજ ડોલરની આ ટેકનોલોજી પેઢીના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લેનાર રોશની કં.ની સીએસઆર કમિટીના અધ્યક્ષ અને શિવ નાદર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ય છે. યાદીમાં 6પમા ક્રમે આવતા કિરન મઝુમદાર શો, ભારતના સૌથી ધનાઢ્ય સ્વયંસિદ્ધા મહિલા અને '78માં સ્થપાયેલી દેશની સૌથી મોટી બાયોફાર્માસ્યુટીકલ પેઢી બાયોકોનના સ્થાપક છે.
ફોર્બ્સ જણાવે છે કે `2019માં વિશ્વભરમાં નારીઓ સક્રિય થઈ છે, સરકાર, બિઝનેસ, સખાવત અને મીડિયામાં નેતાગીરીના સ્થાન મેળવવાની દાવેદાર થઈ છે.' મેલિન્ડા ગેટ્સ, આઈબીએમના સીઈઓ જિન્ની રોમેટ્ટી, ફેસબુકના સીઓઓ શેરિલ સેન્ડબર્ગ, ન્યુઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડર્ન, સેરેના વિલિયમ્સ, ચળવળકાર તરુણી ગ્રેટા થનબર્ગ ય સ્થાન પામ્યા છે.

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer