મલાડની સ્કૂલમાં પાંચ વર્ષની બાળકી પર બાથરૂમમાં બળાત્કાર

મલાડની સ્કૂલમાં પાંચ વર્ષની બાળકી પર બાથરૂમમાં બળાત્કાર
મુંબઈ, તા.13 : મલાડની એક સ્કૂલના બાથરૂમમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કારથી ખળભળાટ મચાવનારી ઘટના આજે માલવણી પોલીસમાં નોંધાઇ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચારકોપ નાકાસ્થિત વીર ભગતસિંહ સ્કૂલના બાથરૂમમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. આ બાળકી મલાડના માલવણીમાં રહે છે અને સવારે અગિયાર વાગ્યે તેની માતા આ બાળકીને સ્કૂલે મૂકીને ગયાં બાદ સ્કૂલના બાથરૂમમાં આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 
તેની માતા બપોર બાદ ત્રણ વાગ્યે બાળકીને ઘરે પરત લઇ જવા માટે આવી હતી ત્યારે આ બાળકી જોરજોરથી રડતી હતી. તેની માતાએ આ વિશે પૂછ્યું તો બાળકીએ પોતાની કાલાઘેલી ભાષામાં આ વિશે જણાવતાં ત્યાં હાજર કેટલાય લોકો ચોંકી ઊઠયા હતા. બાળકીને તત્કાળ કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલે લઇ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનાથી ચોંકી ઊઠેલા વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલે એકઠા થયા હતા તેમનો રોષ જોઇને સ્કૂલવાળાઓ નાસી ગયા હતા. પોલીસે તપાસ કરતા સ્કૂલમાં મુકાયેલા કેટલાંક સીસીટીવી કૅમેરા બંધ હતા, આમ છતાં કેટલાક સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ ચાલી રહ્યાનું પોલીસના સૂત્રોએ કહ્યું હતું.   
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer