બ્રિટનની ચૂંટણી બોરિસના રૂઢિચુસ્ત પક્ષને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક સફળતા

બ્રિટનની ચૂંટણી બોરિસના રૂઢિચુસ્ત પક્ષને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક સફળતા
લંડન, તા. 13:  બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષે શાનદાર જીત મેળવી બહુમતી માટેના 326ના જાદુઈ આંકને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દોર પછી કન્ઝર્વેટીવ પક્ષની આ સૌથી મોટી જીત ગણાવાઈ છે. બ્રિટીશ સંસદના હાઉસ ઓફ કોમન્સ-આમ સભા-ની કુલ 6પ0 બેઠકોમાંથી જે 64પ ના પરિણામ ઘોષિત થઈ ચૂકયા છે, તેમાંથી હાલના વડા પ્રધાન બોરિસ જહોનસનના રૂઢિચુસ્ત પક્ષને 361 બેઠકો મળી ચૂકી છે, જયારે મજૂર પક્ષને 203 બેઠકો મળી છે.
મુખ્ય વિપક્ષી નેતા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને હારનો સ્વીકાર કરવા સાથે જાહેર કર્યુ હતું કે આગામી સામાન્ય ચૂંટણીમાં પોતે પક્ષનું નેતૃત્વ નહી કરે. મજૂર પક્ષ 193પ પછીની અત્યાર સુધીની સૌથી ભૂંડી હાર તરફ આગળ વધી રહ્યો છે, બીજી તરફ કન્ઝર્વેટીવ પક્ષ 1987 પછીની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યો છે.2017ની ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને 318 અને મજૂર પક્ષને 262 બેઠકો મળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યુ હતું કે `પીએમ બોરિસ જહોનસનને પ્રચંડ બહુમતી સાથે સત્તા પર પરત આવી શકવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમને મારી શુભકામના. ભારત-બ્રિટનના નિકટના સંબંધો માટે સાથે મળી કામ કરવાની મનોકામના છે.'
ચૂંટણી પરિણામોએ બોરિસ જહોનસનનુ સત્તામાં પરત આવવાનું નિશ્ચિત બનાવ્યા સાથે યુરોપી સંઘ (ઈયુ)માંથી અલગ થવાનો-બ્રેકિઝટનો-રાહ આસાન બનાવ્યો છે. બોરિસના આગલા મંત્રીમંડળમાં વરિષ્ઠ મંત્રી રહેલાં પ્રીતિ પટેલે જણાવ્યુ હતું કે `પ્રાથમિકતાઓને પૂરી કરવા અમે પ્રતિબદ્ધ છીએ અને બ્રેકિઝટ અમારી પ્રતિબદ્ધતા છે. સમજુતી તૈયાર છે અને અમે આગળ વધવા માગીએ છીએ. પક્ષને બહુમતી અપાવવા અને બ્રેકિઝટને લઈ આમ સભામાંનો ગતિરોધ તોડવાની કવાયતના ભાગરૂપે પીએમએ મધ્યસત્રીય ચૂંટણીની જાહેરાત કરી હતી. આશરે એક સૈકા બાદ બ્રિટનમાં શિયાળામાં ચૂંટણી યોજાઈ.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer