રેપ ઇન ઇન્ડિયા ટિપ્પણી બદલ માફી માગવાનો રાહુલ ગાંધીનો ઇનકાર

રેપ ઇન ઇન્ડિયા ટિપ્પણી બદલ માફી માગવાનો રાહુલ ગાંધીનો ઇનકાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની `રેપ ઇન ઇન્ડિયા' ટિપ્પણીના મુદ્દે સરકાર અને વિપક્ષો વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપી સાથે શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો અંત આવ્યો હતો.
ભારતમાં બળાત્કારના વધતા બનાવો અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો તે વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી અચોક્કસ મુદત માટે મોકૂફ રાખી હતી. ચૂંટણી રૅલીમાં `રેપ ઇન ઇન્ડિયા'ની કરેલી ટિપ્પણી અંગે રાહુલ સામે ભાજપે મોરચો માંડતા કૉંગ્રેસના આ નેતાએ આજે વળતો પ્રહાર કરતા વડા પ્રધાન મોદીએ માફી માગવી જોઈએ એવી માગણી કરી હતી. `હું આ લોકો સમક્ષ માફી નહીં માગું એવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે સંસદમાં ભાજપના પ્રહારોનો જવાબ આપવાની તેમને તક આપવામાં આવી નહોતી.
રાહુલ ગાંધીએ સિટિઝનશિપ કાયદા પર પૂર્વોત્તર રાજ્યો ખાસ કરીને આસામમાં ચાલી રહેલા જોરદાર વિરોધ પ્રદર્શનો પરથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવા માટે સરકાર પોતાને નિશાન બનાવી રહી હોવાનો આરોપ કર્યો હતો.
`પૂર્વોત્તર રાજ્યોને ભડકે બાળવા, ભારતના અર્થતંત્રને ખતમ કરવા અને દિલ્હીને `રેપ કેપિટલ અૉફ ઇન્ડિયા' કહેવા માટે વડા પ્રધાને માફી માગવી જોઈએ,' એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
`મારી પાસે મારા ફોનમાં એક કલીપ છે, જેમાં વડા પ્રધાન મોદી દિલ્હીને `રેપ કેપિટલ' કહેતા નજરે પડે છે. મુખ્ય એજેન્ડા એ છે કે મોદી અને અમિત શાહ ઈશાન ભારતને બાળી રહ્યા છે. તેઓ લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા મારા વિશે આવી વાતો કરી રહ્યા છે,' એમ કૉંગ્રેસના આ નેતાએ સંસદ બહાર કહ્યું હતું.
ઝારખંડની એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી `મેઇક ઇન ઇન્ડિયા' કહે છે, પરંતુ તમે જ્યાં જોશો ત્યાં `રેપ ઇન ઇન્ડિયા' છે. આને કારણે ભાજપે વિરોધ કર્યો હતો.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer